વોશિંગ્ટન
પાકિસ્તાનમાં રાજકીય સંકટ સાથે આર્થિક સંકટ પણ વધુ ખરાબ બનતુ જઈ રહ્યું છે. જો કે તેની સૌથી વધુ અસર દેશના ગરીબ અને મધ્યમ વર્ગને થઈ રહી છે. હાલ પાકિસ્તાનમાં સ્થિતિ એવી છે કે લોટની બોરીઓ અને રાશન માટે લોકો લડી રહ્યા છે. પાકિસ્તાનની આ સ્થિતિ અંગે સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્તમાન ખાદ્ય કટોકટી આગામી મહિનાઓમાં વકરી શકે છે.
યુએનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર પાકિસ્તાનમાં વધતી જતી રાજકીય અસ્થિરતા અને પાછળ રહેલા સુધારાને કારણે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે પાકિસ્તાન માટે નવી લોન ફાળવણી પણ બંધ કરી દીધી છે. આ ઉપરાંત તેના સાથી દેશો પણ તેની મદદ કરવામાં આનાકાની કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ રાજકીય અને આર્થિક સંકટ આગામી ચૂંટણી સુધી રહી શકે છે. પાકિસ્તાની રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે ખાદ્ય ચીજવસ્તુઓ ખરીદવાની ક્ષમતા પણ ઘટશે અને તેની કિંમતો સતત આસમાને પહોંચશે. એટલું જ નહીં દેશને તેની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવી પણ મુશ્કેલ બનશે જેનાથી પાવર કટ રોકવાનું અશક્ય બનશે.
યુએનના રિપોર્ટ મુજબ સપ્ટેમ્બર અને ડિસેમ્બર 2023 વચ્ચે પાકિસ્તાનમાં લગભગ 8.5 મિલિયન લોકો ગંભીર ખોરાકની અસુરક્ષાનો સામનો કરશે. આગામી સમયમાં ખાદ્ય સુરક્ષાની સાથે સાથે કુપોષણમાં ગંભીર વધારો અને પાકિસ્તાનની સતત કથળતી આર્થિક સ્થિતિ પરિવારોની ખરીદશક્તિ પર નકારાત્મક અસર કરશે. આનાથી તેમના માટે જરૂરી ખાદ્ય ચીજવસ્તુઓ અને અન્ય મહત્વપૂર્ણ વસ્તુઓ એકઠી કરવી મુશ્કેલ બનશે અને દેશની સ્થિતિ વધુ મુશ્કેલ બની જશે.