કુઆલાલમ્પુર
પાકિસ્તાન કંગાળ બની ગયુ છે તે હવે આખી દુનિયા જાણી ચુકી છે અને તેના કારણે દુનિયાના બીજા દેશોમાં પાકિસ્તાનનો ફજેતો થઈ રહ્યો છે.
પાકિસ્તાનના મિત્ર કહેવાતા મલેશિયાએ વિમાનની બાકી રકમની ચુકવણી પાકિસ્તાને નહીં કરી હોવાથી પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સનુ બોઈંગ 777 પ્રકારનુ વિમાન જપ્ત કરી લીધુ છે.
બંને દેશો વચ્ચે સારા સબંધ હોવા છતા મલેશિયાએ પાકિસ્તાનને તેની ઓકાત દેખાડી દીધી છે. એક અહેવાલ અનુસાર પાકિસ્તાને આ વિમાન લીઝ પર લીધુ હતુ અને તેના પેટે 4 મિલિયન ડોલર ચુકવવાના હતા પણ પાકિસ્તાન તે ચુકવી નહીં શકતા મલેશિયાએ વિમાન જપ્ત કરી લીધુ છે. આ વિમાનને કુઆલાલમ્પુર એરપોર્ટ પર જ રોકી દેવામાં આવ્યુ છે.
આ પહેલા સ્થાનિક કોર્ટમાંથી મલેશિયાની સરકારે જરુરી આદેશ પણ મેળવ્યો હતો. આ વિમાન મુદ્દે લાંબા સમયથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. આ પહેલા 2021માં તેને મલેશિયાએ જપ્ત કર્યુ હતુ પણ પાકિસ્તાને રકમ ચુકવવાનુ આશ્વાસન આપતા મલેશિયાએ વિમાનને જવા દીધુ હતુ. તે વખતે વિમાનમાં 173 યાત્રીઓ અને ક્રુ મેમ્બર્સ પણ હતા. એ પછી વિમાનને પાકિસ્તાન પાછુ લાવવામાં આવ્યુ છે.
પાકિસ્તાન એરલાઈન્સ માટે એમ પણ દેશની કપરી આર્થિક સ્થિતના કારણે આકરા ચઢાણ છે. તાજેતરમાં એરલાઈન્સના પાયલોટોએ પણ પગાર નહીં થતો હોવાથી હડતાળ પર જવાની ધમકી આપી હતી.