નવી દિલ્હી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે ઓટીટી પ્લેટફોર્મ પર તમાકુ વિરોધી ચેતવણીઓ માટે નવા નિયમોની નોટિફિકેશન જાહેર કરી છે. આ નોટિફિકેશનમાં ઓટીટી પ્લેટફોર્મ માટે કન્ટેન્ટમાં તમાકુ વિરોધી ચેતવણી સંદેશા દર્શાવવાનું ફરજિયાત બનાવાયું છે. તેમાં કહેવામાં આવ્યું છે કે જો ઓનલાઈન કન્ટેન્ટ પબ્લિશર નવા નિયમોનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અને માહિતી અને પ્રસારણ મંત્રાલય કડક કાર્યવાહી કરશે.
વર્લ્ડ નો ટોબેકો ડે પર સ્વાસ્થ્ય મંત્રાલયે આ સૂચના જારી કરી છે. ત્યારબાદ નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઇમ, હોટસ્ટાર અને સોની લિવ જેવા તમામ ઓટીટી પ્લેટફોર્મ માટે કન્ટેન્ટ સાથે તમાકુ વિરોધી ચેતવણીઓ દર્શાવવી ફરજિયાત રહેશે. સિનેમા હોલ અને ટેલિવિઝન ચેનલોમાં ફિલ્મ અને ટેલિવિઝન કાર્યક્રમની શરૂઆતમાં અને મધ્યમાં ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડની તમાકુ વિરોધી સ્વાસ્થ્ય ચેતવણી પ્રદર્શિત કરવી પહેલેથી જ ફરજિયાત છે.
નવા નિયમ મુજબ, તમાકુ ઉત્પાદનો અથવા તેનો ઉપયોગ દર્શાવતા ઓનલાઈન કન્ટેન્ટના પ્રકાશક પાસે તમાકુ વિરોધી સ્વાસ્થ્ય જાગૃતિ માટે કાર્યક્રમની શરૂઆતમાં અને મધ્યમાં ઓછામાં ઓછી ત્રીસ સેકન્ડની જગ્યા હોવી જોઈએ. ઓટીટી પ્લેટફોર્મ તમાકુ ઉત્પાદનોના પ્રદર્શન અથવા પ્રોગ્રામમાં તેમના ઉપયોગના સમયગાળા દરમિયાન સ્ક્રીનના તળિયે એક અગ્રણી સ્થિર સંદેશ તરીકે તમાકુ વિરોધી સ્વાસ્થ્ય ચેતવણી પણ પ્રદર્શિત કરશે.