બુશરા બીબીએ પંજાબ રાજ્યના ગૃહ સચિવને એક પત્ર લખ્યો છે અને તેમાં કહ્યુ છે કે, જેલમાં ઈમરાન ખાનને ઝેર આપવામાં આવે તેવી શક્યતા છે
ઈસ્લામાબાદ
પીએમ તરીકે મળેલી ભેટો બારોબાર વેચી દેવાના મામલામાં હાલમાં જેલની હવા ખાઈ રહેલા પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનની સુરક્ષાને લઈને તેમના પત્નીએ ચિંતા વ્યક્ત કરી છે.
બુશરા બીબીએ પંજાબ રાજ્યના ગૃહ સચિવને એક પત્ર લખ્યો છે અને તેમાં કહ્યુ છે કે, અટક જેલમાં ઈમરાન ખાનને ઝેર આપવામાં આવે તેવી શક્યતા છે. માટે તેમને રાવલપિંડની જેલમાં ટ્રાન્સફર કરવામાં આવે.
પત્રમાં તેમણે કહ્યુ હતુ કે, મારા પતિને કોઈ કારણ વગર અટક જેલમાં પૂરવામાં આવ્યા છે. તેમની રાજકીય અને સામાજિક સ્થિતિને જોતા તેમને બી કેટેગરીની સુવિધાઓ આપવામાં આવે.ઈમરાન ખાન ઓક્સફર્ડના ગ્રેજ્યુએટ તેમજ પાકિસ્તાનની રાષ્ટ્રીય ટીમના પૂર્વ કેપ્ટન પણ છે.આ પહેલા પણ બે વખત ઈમરાન ખાનની હત્યાના પ્રયત્નો થયેલા છે. જેમાં સામેલ આરોપીઓની હજી ધરપકડ કરવામાં નથી આવી.
બુશરા બીબીનો આક્ષેપ છે કે, મારા પતિને જેલમાં ઝેર આપવામાં આવે તેવો ડર છે. દેશના પૂર્વ પીએમ હોવાના નાતે ઈમરાન ખાનને જેલમાં ઘરનુ ભોજન મંગાવવાની પણ પરવાનગી આપવમાં આવે. તેમને 48 કલાકમાં જે સુવિધાઓ આપવાની હતી તે 12 દિવસ પછી પણ પૂરી પાડવામાં આવી નથી. જેલના નિયમો પ્રમાણે ઈમરાન ખાનને પ્રાઈવેટ ડોકટર પાસે ચેક અપનો પણ અધિકાર છે. જેલના નિયમો પ્રમાણે તેમને સુવિધાઓ કેમ નથી અપાઈ રહી તેની તપાસ કરવામાં આવે.