મુખ્યમંત્રી બઘેલના ઓએસડી આશીષ વર્મા અને મનીષ બંછોરના ઘરે પણ ઈડીએ દરોડાની કાર્યવાહી કરી

રાયપુર
છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલના સલાહકાર વિનોદ વર્માના નિવાસે ઈડીએ દરોડા પાડ્યાના અહેવાલ મળી રહ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રી બઘેલના ઓએસડી આશીષ વર્મા અને મનીષ બંછોરના ઘરે પણ ઈડીએ દરોડાની કાર્યવાહી કરી છે.
માહિતી અનુસાર છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ સાથે સંકળાયેલા લોકોને ત્યાં ઈડીએ એવા સમયે દરોડા પાડ્યા હતા જ્યારે ભુપેશ બઘેલ તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા હતા. બુધવારે સવારે જ વિનોદ વર્માના રાયપુરના દેવેન્દ્ર નગરમાં આવેલા ઘરે દરોડાની કાર્યવાહી કરાઈ હતી. હજુ આ કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત આશીર્ષ વર્મા અને મનીષ બંછોરને ત્યાં પણ દરોડા પડાયા હતા. ઘટનાસ્થળે જ સીઆરપીએફના જવાનોનો ખડકલો સર્જાયો હતો.
બીજી બાજુ છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે આ પ્રકારની કાર્યવાહી પર મુખ્યમંત્રી ભડક્યા હતા. તેમણે ટ્વિટ મારફતે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સામે નિશાન તાક્યું હતું. તેમણે ટ્વિટમાં લખ્યું કે મારા જન્મદિવસના દિવસે જ આજે તમે મારા રાજકીય સલાહકાર તથા મારા ઓએસડી સહિત નજીકનાઓના ત્યાં ઈડી મોકલીને જે અમૂલ્ય ભેટ આપી છે તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર.