કૃષિ સંકટથી દેશમાં સૌથી વધુ પ્રભાવિત યવતમાલમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 82 ખેડૂતોએ નિરાશ થઈને આ પગલું ભર્યાનો દાવો

યવતમાલ
આખો દેશ ચંદ્રયાન-3ની સફળતાને ઉમળકાભેર આવકારી રહ્યો છે. ભારતે હવે ચંદ્ર પર ડગ માંડી દીધા છે. ભારતની આ મોટી સિદ્ધિ વચ્ચે પૂર્વી મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાંથી એક ચોંકાવનારો આંકડો સામે આવ્યો છે. યવતમાલ જિલ્લામાં 1 જૂનથી પ્રતિદિન લગભગ એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. આ જાણકારી સામાજિક કાર્યકર્તાઓએ બુધવારે આપી હતી. વિદર્ભ જન આંદોલન સમિતિના અધ્યક્ષ કિશોર તિવારીએ ચેતવણી આપતા કહ્યું કે, કૃષિ સંકટથી દેશમાં સૌથી વધુ પ્રભાવિત યવતમાલમાં 1 જૂનથી અત્યાર સુધીમાં 82 ખેડૂતોએ નિરાશ થઈને આ પગલું ભર્યું છે. જે લોકસભા ચૂંટણી પહેલા સરકાર માટે નિરાશાજનક સ્થિતિનો સંકેત છે.
તિવારીએ જણાવ્યું કે, આટલું જ નહીં 1 જાન્યુઆરીથી વિદર્ભ વિસ્તારના 10 જિલ્લામાં અનેક મહિલાઓ સહિત ઓછામાં ઓછા 1,567એ જીવન ટૂંકાવ્યું છે. જેઓ વિભિન્ન પ્રકારની પ્રાકૃતિક કે માનવ સર્જિત સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા. વિદર્ભના કૃષિ સંકટના પહેલી વખત જનતા સામે આવ્યા બાદ 8 મહિનાના આ આંકડા છેલ્લા 25 વર્ષોમાં એક નવો રેકોર્ડ છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનાક્રમ વડાપ્રધાન મોદીની ઘોષણાના થોડા જ દિવસો બાદ આવ્યા છે કે, ભારતે છેલ્લા 9 વર્ષમાં રેકોર્ડ કૃષિ વિકાસ પ્રાપ્ત કર્યો છે.
તિવારીએ જણાવ્યું કે, જો આ ત્રાસદી માત્ર એક જ રાજ્યના એક જ જિલ્લા અને એક પ્રદેશની છે તો દેશના અન્ય ક્ષેત્રો અનેરાજ્યોના આંકડામાં તેનાથી પણ વધુ ચોંકાવનારા ખુલાસા થઈ શકે છે. તેમણે પુનરાવર્તન કર્યું કે, ખેતીની કિંમત, પાક અને લોનના મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્ર સરકાર દ્વારા હજુ સુધી ધ્યાન આપવામાં નથી આવ્યું. જેણે સમગ્ર ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્રમાં સામાન્ય ખેડૂતોને અસર કરી છે અને અંતે તેમને જીવનનો અંત લાવવાનું અંતિમ પગલું ભરવાની ફરજ પડી છે. શિવસેના (યુબીટી) નેતા જે હાલમાં વિદર્ભ પ્રદેશની મુલાકાતે છે તેમણે ભારતીય જનતા પાર્ટી સરકારની પણ ટીકા કરી અને આરોપ લગાવ્યો કે, છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર અને રાજ્યના તમામ કથિત રાહત પેકેજ સંકટગ્રસ્ત ખેડૂતોની કોઈ પણ સહાયતા કરવામાં નિષ્ફળ રહ્યા છે.
તિવારીએ કહ્યું કે, તમામ મોટા વચનો અને ખાતરીઓ છતાં આત્મહત્યાઓનો સિલસિલો યથાવત છે. કારણ કે, સ્થાનિક સ્તરે ભ્રષ્ટાચાર, રાજકીય પહેલનો અભાવ અને અસંવેદનશીલ વહીવટની સાથે-સાથે ગ્રામીણ અર્થતંત્રનો કરોડરજ્જુ તૂટી ગયો છે. સરકાર પૃથ્વી પરના નરક પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ચંદ્રમાંને જોવામાં વ્યસ્ત છે. જ્યાં ખેડૂતો પૂરતા વળતર વિના તેમનું આખું જીવન વિતાવી રહ્યા છે. ખેડૂતોના મૃત્યુમાં તાજેતરના ઉછાળાના કારણોની યાદી આપતા તિવારીએ જણાવ્યું કે, મુખ્ય રોકડિયો પાક, કપાસ – જે ઓછી માંગનો સામનો કરી રહ્યો છે જેણે અર્થતંત્રને ઠપ્પ કરી દીધું છે.