ક્રિકેટ ચાહકોને ટિકિટ બુક કરાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો, હાલમાં એવી મેચોની ટિકિટોનું વેચાણ થઇ રહ્યું છે જેમાં ભારત નથી રમી રહ્યું
નવી દિલ્હી
ભારત દ્વારા યોજાનારી ક્રિકેટની મેગા-ઇવેન્ટ વનડે વર્લ્ડ કપ 5મી ઓક્ટોબરથી શરૂ થવા જઇ રહી છે. આ પહેલીવાર છે જ્યારે સમગ્ર વિશ્વકપનું આયોજન ભારતમાં થવા જઈ રહ્યું છે. બીસીસીઆઈ આ મેગા ઈવેન્ટ માટે જોરદાર તૈયારીઓ કરી છે. વર્લ્ડ કપની ટિકિટો પણ વેચાઈ ગઈ છે, પરંતુ ભારે ટ્રાફિકને કારણે ઓફિશિયલ વેબસાઈટ પહેલા જ દિવસે ક્રેશ થઈ ગઈ હતી. જેના કારણે ક્રિકેટ ચાહકોને ટિકિટ બુક કરાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
વર્લ્ડ કપ 2023 માટે ટિકિટોનું વેચાણ ખૂબ મોડું શરૂ થયું અને પહેલા જ દિવસે ક્રિકેટ ચાહકોને નિરાશ થવું પડ્યું હતું. જ્યારે હાલમાં એવી મેચોની ટિકિટોનું વેચાણ થઇ રહ્યું છે જેમાં ભારત નથી રમી રહ્યું. ચાહકોએ ફરિયાદ કરી કે જે એપ પર ટિકિટોની બુકિંગ કરવામાં આવી રહી છે તે એપ ગઈકાલે રાત્રે 8 વાગે ટિકિટનું વેચાણ શરૂ થતાંની સાથે જ ક્રેશ થઈ ગઈ હતી.
ચાહકોએ કહ્યું કે જ્યારે એપ્લિકેશન ક્રેશ થઈ ત્યારે તે ખરેખર નિરાશાજનક હતું. સૌપ્રથમ તો ટિકિટનું વેચાણ મોડું શરૂ થયું અને હજુ સુધી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર નથી. આનાથી બીસીસીઆઈ અને આઈસીસીની છબી ખરડાય છે. ચાહકોએ કહ્યું કે આ ત્યારે છે જ્યારે ભારતની મેચની ટિકિટોનું વેચાણ શરૂ નથી થયું, ખબર નથી કે જ્યારે ભારતના મેચોની ટિકિટો વેચાશે ત્યારે શું થશે? જણાવી દઈએ કે અડધા કલાક બાદ વેબસાઈટ પર ટિકિટનું બુકિંગ ફરી શરૂ થયું હતું. પરંતુ ત્યાં સુધીમાં ચાહકો ખુબ જ ગુસ્સે થયા હતા અને બીસીસીઆઈ અને આઈસીસીને સોશ્યલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવ્યા હતા.