હિન્દુ ધર્મના તમામ મંદિરો પેટ ભરવાના સાધન છે. શા માટે દાન પેટી પ્રથમ આવે છે અને ત્યાર બાદ મૂર્તિના દર્શન થાય છે

રાજકોટ
રાજકોટમાં પૂર્વ સરકારી કર્મચારી અને પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશચંદ્ર એચ. ફેફરે ફરી એક નવો બફાટ કર્યો છે. આ વખતે તેમણે વિવાદિત ધાર્મિક ટિપ્પણી કરી છે. રાજકોટ પોલીસે તેમની વિવાદાસ્પદ નિવેદન સંદર્ભે અટકાયત કરી હતી. રમેશ ફેફરે કહ્યું કે, હિન્દુ ધર્મના તમામ મંદિરો પેટ ભરવાના સાધન છે. શા માટે દાન પેટી પ્રથમ આવે છે અને ત્યાર બાદ મૂર્તિના દર્શન થાય છે? આગામી 7 વર્ષમાં હું બ્રાહ્મણ, ક્ષત્રિય અને વ્યાપારીઓને હાર્ટ એટેકથી મારી નાખીશ.
આ સિવાય તેમણે કહ્યું કે, ત્રેતાયુગમાં બ્રાહ્મણો અધર્મી થતા ભગવાન રામે ક્ષત્રિયના ઘરે જન્મ લીધો. દયાંદન સરસ્વતી પણ રાક્ષસ હતો. કળિયુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય અને વેપારીઓ ભ્રષ્ટ થયા છે. શેરીની સફાઈ કરનારા જ શ્રેષ્ઠ છે.
વિષ્ણુ ભગવાનનો 9મો અવતાર ઈશુ ખ્રિસ્ત હતા પરંતુ 9મો અવતાર ભગવાન બુધ્ધ નહોતા. હું વિષ્ણુ ભગવાનનો દસમો અવતાર છું. સોનિયા ગાંધી ત્રીજટાનો અવતાર છે. સોનિયા ગાંધીએ સીતાજીની ખુબ સેવા કરે છે. શ્રીરામના આશીર્વાદથી જ સોનિયા ગાંધીને રાજપાટ મળ્યું હતું. જ્યારે ભાજપ કૌરવ સેના છે.
તો વધુમાં તેમણે ચંદ્રયાન-3 અંગે વાત કરતા કહ્યું કે, ચંદ્રયાન-3એ વડાપ્રધાન મોદીનો પબ્લિસિટી સ્ટંટ છે. સાથે તેમણે પોતાના મૃત્યુ અંગે પણ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, મારું એકવાર મોત થઈ ચૂક્યું છે. હું 14 દિવસ મારા શરીરમાં નહોતો.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રહેતા રમેશચંદ્ર ફેફર અગાઉ પણ કલ્કી અવતારના દાવાને લઈને ચર્ચામાં આવી ચૂક્યા છે. સૌપ્રથમ તેમણે પોતાને કલ્કી અવતાર હોવાનો દાવો કરી ભારે ચર્ચા જગાવી હતી. જે તે સમયે સરકાર દ્વારા તેઓને આ મામલે નોટિસ ફટકારી ખુલાસો આપવા સુધીના પગલા લેવામાં આવ્યા હતા.