પુતિનના ભારત આવવા અંગે રાષ્ટ્રપતિ કાર્યલય જ જાહેરાત કરી શકે

Spread the love

રશિયાના રાજદૂત ડેનિસ એલીપોવ સાથે પત્રકારોએ વાત કરતા તેમણે સ્પષ્ટ ઉત્તર આપ્યો


નવી દિલ્હી
રશિયા-યુક્રેન યુદ્ધને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છે… હજુ પણ બંને દેશો વચ્ચે યુદ્ધ વિરામની કોઈ સંભાવના જોવા મળી રહી નથી… ત્યારે આગામી મહિને ભારતમાં જી20 શિખર સંમેલન યોજાવાનું છે. ઉપરાંત એવા અહેવાલ પણ વહેતા થયા છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત આવશે… ભારતના યોજાનારા જી20 સંમેલનમાં પુતિન ભાગ લેશે… જોકે આ માત્ર વાતો જ છે, ત્યારે સવાલ એ થાય છે કે, પુતિન ભારત આવશે કે નહીં ? આ જ સવાલોનો જવાબ જાણવા ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ એલીપોવ સાથે પત્રકારોએ વાત કરી.
જ્યારે રશિયાના રાજદૂત ડેનિસ એલીપોવને પૂછવામાં આવ્યું કે, શું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દિલ્હીમાં યોજાનારા જી20 શિખર સંમેલનમાં ભાગ લેશે ? જેના જવાબમાં ડેનિસે કહ્યું કે, રાષ્ટ્રપતિના કાર્યક્રમ અંગે કોઈ જાહેરાત કે નિવેદન આપવાનો મારો વિશેષાધિકાર નથી. આ બાબતે રાષ્ટ્રપતિ કાર્યાલય દ્વારા સત્તાવાર જાહેરાતની રાહ જોવા હું આપસૌને સૂચન આપુ છું.
રશિયન રાજદૂતે રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે, બંને દેશોની સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે… યુદ્ધ યથાવત્ છે… અમે શરૂઆતથી જ સંઘર્ષ બંધ કરવા શાંતિપૂર્ણ સમાધાન માટે તૈયાર છીએ… તો બીજીતરફ યુક્રેને ઘણીવાર કહ્યું છે કે, તેને રશિયા સાથે વાતચીત કરવામાં કોઈ રસ નથી… તેમણે પશ્ચિમ દેશો પર આક્ષેપ કરતા કહ્યું કે, પશ્ચિમ દેશો યુદ્ધ સમાપ્ત થવાના આંશિક આશાઓ ખતમ કરી રહી છે. પશ્ચિમી સમર્થકો યૂક્રેનને સતત હથિયારો અને સૈન્ય સામગ્રીઓનો જથ્થો આપી રહી છે, જેના કારણે દુશ્મનાવટને ખતમ કરવાનો કોઈ રસ્તો બચ્યો નથી.
અગાઉ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે જણાવ્યું હતું કે, વ્યસ્ત કાર્યક્રમના કારણે પુતિન ભારતના જી20 સંમેલનમાં જવાની કોઈ યોજના બનાવી રહ્યા નથી. હાલ તેમનું મુખ્ય ફોકસ યૂક્રેનના એક ‘વિશેષ સૈન્ય અભિયાન’ પર છે. ઉલ્લેખનિય છે કે, 24 ફેબ્રુઆરી-2022થી મોસ્કો અને કીવ વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *