આઈઓસીની પ્રતિક્રિયા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ દ્વારા જંતર-મંતર ખાતે તેમના દેખાવો દરમિયાન કુસ્તીબાજોની અટકાયતની ટીકા કર્યા બાદ આવી
નવી દિલ્હી
જાતીય શોષણના આરોપોથી ઘેરાયેલા ભારતીય કુસ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહની ધરપકડની માગણી સાથે ભારતીય કિસાન યુનિયનના પ્રમુખ નરેશ ટિકૈત દ્વારા આજે ખાપ મહાપંચાયત બોલાવવામાં આવી છે. આ મહાપંચાયતનું આયોજન ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થશે. તેમાં દિલ્હી, યુપી, હરિયાણા અને પંજાબ, રાજસ્થાન સહિત દેશભરના વિવિધ ખાપના પ્રતિનિધિઓ સામેલ થશે.
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (આઈઓસી) એ વિરોધ કરી રહેલા કુસ્તીબાજો સાથે દિલ્હી પોલીસ દ્વારા કરાયેલી વર્તણૂંકની સખત ટીકા કરી છે અને કહ્યું છે કે આ ખરેખર અચરજ પમાડે તેવું હતું. આઈઓસીની પ્રતિક્રિયા યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબલ્યુડબલ્યુ) દ્વારા જંતર-મંતર ખાતે તેમના દેખાવો દરમિયાન કુસ્તીબાજોની અટકાયતની ટીકા કર્યા બાદ આવી છે.
આઈઓસી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, સપ્તાહના અંતે ભારતીય કુસ્તીબાજો સાથે જે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું હતું તે હેરાન કરી મૂકે તેવું હતું. આઈઓસી ગંભીરતા સાથે ઈચ્છે છે કે સ્થાનિક કાયદા અનુસાર કુસ્તીબાજો દ્વારા કરવામાં આવેલા આરોપોની નિષ્પક્ષ ગુનાઈત તપાસ કરવામાં આવે. અમને માહિતી મળી છે કે આ પ્રકારની ગુનાઈત તપાસની દિશામાં પહેલું પગલું ભરી લેવાયું છે પણ મજબૂત કાર્યવાહી સામે આવે તે પહેલા વધુ પગલાં ભરવા પડશે. અમે વિનંતી કરીએ છીએ કે આ પ્રક્રિયા દરમિયાન આ કુસ્તીબાજોની સુરક્ષા પર ધ્યાન આપવામાં આવે અને તપાસ ઝડપથી પૂર્ણ કરવામાં આવે.
નવા સંસદ ભવનના ઉદઘાટનના અવસરે જ જ્યારે કુસ્તીબાજોએ કૂચનું આયોજન કર્યું હતું ત્યારે ભારે હોબાળો મચી ગયો હતો. આ દરમિયાન દિલ્હી પોલીસે રવિવારે વિશ્વ ચેમ્પિયનશિપ બ્રોન્ઝ વિજેતા વિનેશ અને સાક્ષી સાથે અન્ય ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગની અટકાયત કરી હતી અને બાદમાં કાયદો અને વ્યવસ્થાના ઉલ્લંઘન બદલ તેમની સામે એફઆઈઆર નોંધી હતી.