યુએસએ યુક્રેન માટે 300 મિલિયન ડોલરના નવા હથિયાર પેકેજની જાહેરાત કરી

Spread the love

પેકેજમાં એર ડિફેન્સ સિસ્ટમ અને લાખો રાઉન્ડ માટેનો દારૂગોળો સામેલ, આ નવા શિપમેન્ટ સાથે યુક્રેનને અમેરિકી સહાયનો કુલ આંકડો 37.6 બિલિયન ડોલરને આંબી જશે

વોશિંગ્ટન
પેન્ટાગોને યુક્રેન માટે 300 મિલિયન ડોલરના નવા હથિયાર પેકેજની જાહેરાત કરી હતી. પેકેજમાં એર ડિફેન્સ સિસ્ટમ અને લાખો રાઉન્ડ માટેનો દારૂગોળો સામેલ છે. અમેરિકાના સંરક્ષણ વિભાગે જણાવ્યું હતું કે આ નવા શિપમેન્ટ સાથે યુક્રેનને અમેરિકી સંરક્ષણ સહાયનો કુલ આંકડો 37.6 બિલિયન ડોલરને આંબી જશે. તમને જણાવી દઈએ કે રશિયાના આક્રમણ બાદ અમેરિકા યુક્રેનને સતત સૈન્ય મદદ કરી રહ્યું છે.
પેન્ટાગોને કહ્યું કે અમેરિકા યુક્રેનને તેની તાત્કાલિક લડાઈ જરૂરિયાતો અને ભાવિ સુરક્ષા સહાયતા જરૂરિયાતો બંનેને પહોંચી વળવાની ક્ષમતા પ્રદાન કરવા માટે તેના સાથી અને ભાગીદારો સાથે કામ કરવાનું ચાલુ રાખશે. અમેરિકા યુક્રેનને શસ્ત્રો અને અન્ય સહાય પૂરી પાડવા માટે નાટો અને અન્ય સહયોગીઓ દ્વારા અભૂતપૂર્વ પ્રયાસનું નેતૃત્વ કરી રહ્યું છે. યુક્રેન દેશના પૂર્વ અને દક્ષિણમાં રશિયાએ પચાવી પાડેલા પ્રદેશમાંથી રશિયન દળોને ભગાડવાના ઉદ્દેશ્યથી વળતો પ્રહાર કરવાની તૈયારી કરી રહ્યું છે.
પેન્ટાગોને કહ્યું કે 300 મિલિયન ડોલરના પેકેજમાં પેટ્રિઓટ એર ડિફેન્સ સિસ્ટમ, AIM-7 એર ડિફેન્સ મિસાઈલ્સ, એવેન્જર એર ડિફેન્સ સિસ્ટમ અને સ્ટિંગર એન્ટી એરક્રાફ્ટ મિસાઈલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પેકેજમાં હાઈ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ્સ (એચઆઈએમએઆરએસ), 155એમએમ અને 105એમએમ આર્ટિલરી રાઉન્ડ્સ, 105એમએમ ટેન્ક દારૂગોળો અને ઝુની એરક્રાફ્ટ રોકેટ માટેનો દારૂગોળો સામેલ છે. પેન્ટાગોને જણાવ્યું હતું કે અમેરિકા યુક્રેનને 30 મિલિયનથી વધુ રાઉન્ડ નાના હથિયારો મોકલી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *