રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ટ્રમ્પ સામે સ્પર્ધા કરી રહેલા વિવેકે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એમિનેમના સંગીતનો ઉપયોગ કર્યો હતો
વોશિંગ્ટન
અમેરિકાના મશહૂર રેપ સિંગર એમિનેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રેસમાં ઉતરેલા ભારતીય મૂળના નેતા વિવેક રામાસ્વામી સામે વાંધો પડી ગયો છે.
રિપબ્લિકન પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર તરીકે ટ્રમ્પ સામે સ્પર્ધા કરી રહેલા વિવેકે પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન એમિનેમના સંગીતનો ઉપયોગ કર્યો હતો. જેના પર રેપરે હવે સત્તાવાર રીતે વાંધો ઉઠાવ્યો છે.
રેપ સિંગરે કહ્યુ છે કે, રામાસ્વામી મારા સંગીતનો ઉપયોગ ના કરે. આ માટે મ્યુઝિક લાઈસન્સર બ્રોડકાસ્ટને એમિનેમે ફરિયાદ પણ કરી છે.
તાજેતરમાં વિવેક રામાસ્વામીનો એક વિડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તેઓ એમિનેમનુ એક રેપ ગીત ગાતા જોવા મળ્યા હતા. રામાસ્વામી રેપ સંગીતના શોખીન છે. હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વખતે વિવેક રામાસ્વામી પોતે રેપ સોંગ ગાતા હતા અને તેઓ ધ વેક નામના એક રોક બેન્ડનો હિસ્સો હતા.
જોકે વિવેક રામાસ્વામી પહેલા રોલિંગ સ્ટોને પણ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પોતાના ગીતનો ઉપયોગ કરવા બદલ વાંધો ઉઠાવ્યો હતો.
વિવેક રામાસ્વામી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર બને કે ના બને પણ આ માટેની રેસમાં ઉતર્યા બાદ તેઓ અમેરિકામાં બહુ જાણીતો ચહેરો બની રહ્યા છે. તેમના નિવેદનોની ચારે તરફ ચર્ચા થઈ રહી છે.