ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને દાવો કર્યો છે કે, ગયા સપ્તાહે મેં લિબિયાના વિદેશ મંત્રી મંગૌશ સાથે રોમમાં મુલાકાત કરી હતી જેના પર લિબિયાની કાર્યવાહી
તેલ અવીવ
સાઉદી અરેબિયા અને યુએઈ એક સમયના કટ્ટર દુશ્મન ઈઝરાયેલ સાથે સબંધો સુધારવાના રસ્તા પર છે. જોકે સંખ્યાબંધ મુસ્લિમ દેશો એવા છે જે ઈઝરાયેલનુ નામ પડતા જ ભડકી ઉઠે છે. લિબિયા પણ આ પૈકીનો એક દેશ છે.
લિબિયાના વિદેશ મંત્રી નાજલા મંગૌશને સરકારે સસ્પેન્ડ કરી દીધા છે. કારણકે ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને દાવો કર્યો છે કે, ગયા સપ્તાહે મેં લિબિયાના વિદેશ મંત્રી મંગૌશ સાથે રોમમાં મુલાકાત કરી હતી.
આ નિવેદન બાદ લિબિયાના રસ્તા પર લોકો ઉતર્યા હતા અ્ને વિદેશ મંત્રી મંગૌશના વિરોધમાં દેખાવો કર્યા હતા. એ પછી લિબિયાના વડાપ્રધાને વિદેશ મંત્રીને સસ્પેન્ડ કરીને સમગ્ર ઘટનાક્રમ અંગે તપાસનો આદેશ આપ્યો છે. બીજી તરફ બેઠકની જાણકારી બહાર આવ્યા બાદ મંગૌશ તુર્કી રવાના થઈ ગયા છે.
આ બેઠક અંગે ઈઝરાયેલના વિદેશ મંત્રી એલી કોહેને કહ્યુ હતુ કે, લિબિયામાં એક સમયે વસતા યહૂદી સમુદાયની વિરાસતને સંરક્ષિત રાખવા માટે મારી અને લિબિયાના વિદેશ મંત્રી વચ્ચે મહત્વપૂર્ણ ચર્ચા થઈ છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રમાં અને વોટર મેનેજમેન્ટ સેક્ટરમાં ઈઝરાયેલે લિબિયાને સહાયતા કરવાની ઓફર કરી હતી.
બીજી તરફ લિબિયાના વિદેશ મંત્રાલયે આ બેઠકને અનૌપચારિક અને આકસ્મિક ગણાવીને કહ્યુ હતુ કે, આ મુલાકાતમાં કોઈ વાતચીત થઈ નથી અને કોઈ પ્રકારના કરાર પણ થયા નથી.
એવો પણ દાવો થઈ રહ્યો છે કે, લિબિયાના વડાપ્રધાન દબીબાને આ બેઠક અંગે પહેલેથી જાણકારી હતી અને તેમણે આ માટે અગાઉથી લીલી ઝંડી આપી હતી. બંને દેશના વિદેશ મંત્રીઓ વચ્ચે બે કલાક સુધી બેઠક ચાલી હતી. મંગૌશે લિબિયા પાછા ફર્યા બાદ વડાપ્રધાનને આ અંગે જાણકારી પણ આપી હતી.
જોકે ઈઝરાયેલે બેઠકની જાણકારી સાર્વજનિક કરતા મંગૌશ આશ્ચર્યમાં પડી ગયા હતા અને હવે તે તુર્કી ભાગી ગયા છે.