ખૈબર પખ્તૂનખાનામાં તો વીજ બિલ જોઈને એક વ્યક્તિનુ મગજ ફાટ્યું હતું અને તે એકે 47 લઈને અગાસી પર ચઢી ગયો તથા વીજ કંપનીની ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી હતી
ઈસ્લામાબાદ
પાકિસ્તાનમાં મોંઘવારીએ લીધેલા વિકરાળ સ્વરૂપ વચ્ચે વીજળીના વધી ગયેલા રેટના કારણે હાહાકાર મચી ગયો છે. વધેલુ વીજ બિલ જોઈને પાકિસ્તાનમાં અત્યાર સુધી બે લોકોએ આત્મહત્યા કરી દીધી છે.
આઈએમએફે આપેલી લોન બાદ તેની શરતોનુ પાલન કરવા માટે પાકિસ્તાની સરકારે વીજળીના દરોમાં કમરતોડ વધારો કરી દીધો છે. જેના કારણે હવે વીજ દર પ્રતિ યુનિટ 64 રૂપિયા સુધી પહોંચ્યો છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં 35 વર્ષના મહોમ્મદ હમઝાનુ વીજ બિલ 40000 રૂપિયા આવ્યુ હતુ અને એ પછી તેણે આપઘાત કર્યો હતો. પરિવારનુ કહેવુ છે કે, પહેલેથી જ હમઝા પર દેવુ હતુ અને તેમાં વીજ બિલ જોઈને તે હિંમત હારી ગયો હતો. તેના બે બાળકો પણ છે. પોલીસે આ વાતને સમર્થન આપીને કહ્યુ હતુ કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવશે.
ખૈબર પખ્તૂનખાનામાં તો વીજ બિલ જોઈને એક વ્યક્તિનુ મગજ ફાટ્યુ હતુ અને તે એકે 47 લઈને અગાસી પર ચઢી ગયો હતો. તેણે વીજ કંપનીની ઓફિસને ઉડાવી દેવાની ધમકી આપી હતી. એ પછી તેને વીજ કંપનીના કર્મચારીઓ સમજાવી રહ્યા છે તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક મહિલાના ઘરનુ વીજ બિલ 10000 રૂપિયા આવ્યુ હતુ. મહિલાએ અને તેના પતિએ બિલ ચુકવવા પોતાના ઘરનો સામાન વેચ્યો હતો. જોકે બિલ ભર્યા પછી પણ વીજ સપ્લાય ફરી શરૂ નહીં થતા મહિલાએ આપઘાત કર્યો હતો.
પાકિસ્તાનમાં વીજળીના દરમાં તોતિંગ વધારાથી ભારે આક્રોશ છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકારનો વિરોધ કરી રહ્યા છે. પાકિસ્તાનમાં કરોડો લોકો આટલી મોંઘી વીજળી વાપરી શકે તેવી સ્થિતિમાં જ નથી.