સીસીટીવી કેમેરામાં કાર પર આ ફૂલના કુંડાઓ મૂક્યાનું જોવામાં આવ્યું
નવી દિલ્હી
નવી દિલ્હીમાં જી20 સમિટ માટેની તૈયારીઓ ચાલી રહી છે. તમામ મુખ્ય રસ્તાઓ પર ડેકોરેશન માટે રાખવામાં આવેલા ફૂલ કુંડાની ચોરી થઈ રહી છે. રાત્રીના સમયમાં આ સણગારેલા કુંડાઓ ગાયબ થઈ રહ્યા છે. આ સિવાય સ્માર્ટ ટોયલેટ બ્લોકની બહાર સ્થાપિત જી20ના બેનરો-પોસ્ટરો પણ બ્લેડથી ફાડી નાખવામાં આવ્યા છે. એનડીએમસી પાસે લગભગ 50 બેનર-પોસ્ટરો ફાટી ગયા છે. અધિકારીઓનું કહેવું છે કે સીસીટીવી કેમેરામાં કાર પર આ ફૂલના કુંડાઓ મૂક્યાનું જોવામાં આવ્યું છે.
આ માહિતી પોલીસને આપવામાં આવી છે. હાલ પ્રાથમિક જવાબદારી ડેકોરેશન જાળવવાની છે. આ સ્થિતિમાં સવારે દરેક પોઈન્ટ પર વધારાના છોડ રાખવા મજબૂરી બની ગઈ છે. એનડીએમસી જી-20 સમિટની તૈયારી કરી રહ્યું છે જેમાં રોડ-રસ્તા અને શેરીઓમાં પણ ખાસ પ્રકારે ડેકોરેશન પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ડેકોરેશન સરદાર પટેલ માર્ગ, પંચશીલ માર્ગ, કૌટિલ્ય માર્ગ, રાજાજી માર્ગ, તીન મૂર્તિ, વિનય માર્ગ, અકબર રોડ, શેરશાહ રોડ, ઝાકિર હુસૈન માર્ગ, પંડારા રોડ, કેજી માર્ગ, જનપથ, સંસદ માર્ગ, હૈદરાબાદ હાઉસ સહિત કનોટ પ્લેસના તમામ પોઈન્ટ, કોપરનિકસ માર્ગ, પુરાણા કિલા રોડ, ઈન્ડિયા ગેટ પાસે કુંડામાં મોટી સંખ્યામાં સુંદર છોડ રાખવામાં આવ્યા છે.
એનડીએમસી અધિકારીએ કહ્યું કે ફ્લાવરના કુંડાની ચોરી અને સ્માર્ટ ટોયલેટ બેનરો-પોસ્ટરો ફાડવાની ઘટના અંગે પોલીસને કોઈ ફરિયાદ આપવામાં આવી નથી. તેમ છતાં આવી હરકતની પોલીસને જાણ કરવામાં આવી છે. હવે પોલીસ આગળની કાર્યવાહી કરશે. જરૂર પડશે તો કેસ પણ નોંધવામાં આવશે. એનડીએમસી વિસ્તારના સ્માર્ટ ટોયલેટ બ્લોકમાં જી20નો મેસેજ આપતા મોટા બેનરો- પોસ્ટરો લગાવવામાં આવ્યા છે. કેટલાક તત્વોએ આ પર પણ બ્લેડ દ્વારા ફાડવામાં આવ્યા હતા. લગભગ 50 જગ્યાએ બેનરો-પોસ્ટરો ફાટી ગયા છે. આ ઉપરાંત રોડ કિનારે પણ ઘણા બેનરો-પોસ્ટરો પણ ફાડી નાખવામાં આવ્યા છે. હવે અધિકારીઓએ નિર્ણય લીધો છે કે ઇવેન્ટની નજીકના આ સ્થળો પર ફરીથી બેનર-પોસ્ટર લગાવવામાં આવશે.
કનોટ પ્લેસના આઉટર સર્કલના અંતરે-અંતરે પાંચ ફૂલના કુંડાઓ મૂકવામાં આવ્યા હતા. તમામ પોઈન્ટ પર થઈને કુલ 150 કુંડાઓ મુકવામાં આવ્યા હતા. એક જગ્યાએ 150 ફ્લાવરના કુંડામાંથી માત્ર 30 જ મળી આવ્યા હતા. અહીંથી એક જ રાતમાં 120 ફૂલના કુંડાની ચોરી થઈ હતી. જ્યારે અન્ય સ્થળોએથી 30-40 ફૂલ કુંડાઓ રાતોરાત ગુમ થઈ ગયા હતા. હવે ચોરોથી બચાવવા માટે કુંડાઓ પર નજર રાખવી પડશે. વધારાના કુંડાઓ રાખવા અને તેને સુરક્ષિત રાખવા માટે ગાર્ડ્સ તૈનાત કરવામાં આવ્યા છે.