અગાઉના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ જનસંઘ અને રિપબ્લિકન પાર્ટીને યથાવત રાખવામાં આવી

મુંબઈ
મહારાષ્ટ્રમાં હવે એમએ ઈતિહાસના અભ્યાસક્રમને લઈને રાજકીય વિવાદ ઉભો થયો છે. નાગપુર યુનિવર્સિટીએ તેના એમએ ઇતિહાસના અભ્યાસક્રમમાંથી સીપીઆઈ વિષેના ચેપ્ટરને બદલીને ભાજપ પરના એક ચેપ્ટરનો ઉમેરો કરવામાં આવ્યો છે. તે જ સમયે, અગાઉના અભ્યાસક્રમમાં સમાવિષ્ટ જનસંઘ અને રિપબ્લિકન પાર્ટીને યથાવત રાખવામાં આવી છે. યુનિવર્સિટી પ્રશાસનનું કહેવું છે કે, નવા અભ્યાસક્રમનો હેતુ વિદ્યાર્થીઓને ભાજપની સ્થાપના, કાર્યપ્રણાલી અને ઈતિહાસ વિશે શીખવવાનો છે. આટલું જ નહીં યુનિવર્સિટીએ કોંગ્રેસના સહયોગી ડીએમકે પરનું એક ચેપ્ટર હટાવીને એઆઈએડીએમકે ને સ્થાન આપવામાં આવ્યું છે. એઆઈએડીએમકે એ હાલમાં બીજેપીની સાથે જોડાયેલી પાર્ટી છે.
ખાલિસ્તાનની વિષય પરનું પણ એક પ્રકરણ અત્યાર સુધી શીખવવામાં આવતું હતું, તે પણ હટાવી દેવામાં આવ્યું છે. યુનિવર્સિટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, એક ચેપ્ટરનો ઉમેરો કરવામાં આવ્યો છે જે રામજન્મભૂમિના વિવાદની માહિતી આપે છે. આ પ્રકરણનું શીર્ષક ‘1980 થી 2000 દરમિયાન ભારતીય જન આંદોલન’ રાખવામાં આવ્યું છે. આમાં, રામ મંદિર ચળવળ વિશે શીખવવામાં આવશે, જેણે ભારતીય રાજકારણમાં મોટા ફેરફારો કર્યા અને ભાજપનો ઝડપી વિકાસ થયો. અગાઉ 2019માં પણ યુનિવર્સિટીને આવા જ વિવાદનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ યુનિવર્સિટીએ બીએ ઈતિહાસના ચોથા સેમેસ્ટરના અભ્યાસક્રમમાં આરએસએસ પર એક ચેપ્ટરનો સમાવેશ કર્યો હતો. મહત્વની વાત તો એ છે કે આરએસએસનું મુખ્યાલય પણ નાગપુરમાં જ છે.
નવા અભ્યાસક્રમનો મુસદ્દો તૈયાર કરનાર સમિતિનો ભાગ રહેલા શ્યામ કોરેટીએ જણાવ્યું હતું કે, ભાજપની પુરોગામી પાર્ટી જનસંઘનો તેમાં પહેલેથી જ સમાવેશ કરવામાં આવ્યો હતો. તો સીપીઆઈ(એમ)ને સામેલ કરવામાં ખોટું શું છે? તેમણે સીપીઆઈને હટાવવાને પણ યોગ્ય ઠેરવ્યું અને કહ્યું કે હવે આ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી નથી. તેથી જ તેને હટાવીને ભાજપને સ્થાન આપવામાં આવ્યું છે. ભાજપનો રાષ્ટ્રીય સ્પ્રેડ છે અને સીપીઆઈ કરતા ઘણો મોટો સ્પ્રેડ છે. તેમણે એમ પણ કહ્યું કે, અમે 2010 સુધીનો ભાજપનો ઈતિહાસ અભ્યાસક્રમમાં રાખ્યો છે. આપણે બાળકોને ખોટી બાબતો શીખવી ન શકીએ.