વીડિયોમાં એક પુરુષ 21 વર્ષીય મહિલાને તેના ઘરની બહાર જ માર મારી રહ્યો છે, મહિલા મદદ માટે ચીસો પાડી રહી છે અને લોકો ફક્ત જોઈ રહ્યા છે, ત્રણની ધરપકડ

જયપુર
મણીપુર બાદ રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લામાં માનવતાને શરમાવે તેવી ઘટના બની હતી. ગુરુવારે એક આદિવાસી મહિલાને તેના જ પતિએ જાહેરમાં માર મારી નિર્વસ્ત્ર કરી કરી હતી.. સુત્રોના જણાવ્યા મુજબ મહિલા ગર્ભવતી છે. આ આઘાતજનક ઘટનાનો વિડિયો પણ સામે આવ્યો છે. વિડીયોમાં એક પુરુષ 21 વર્ષીય મહિલાને તેના ઘરની બહાર જ માર મારી રહ્યો છે, મહિલા મદદ માટે ચીસો પાડી રહી છે અને લોકો ફક્ત જોઈ રહ્યા છે. કથિત રીતે મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ હતા, જેના કારણે તેના પતિએ તેને માર માર્યો હતો. આ કેસમાં પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
રાષ્ટ્રીય મહિલા આયોગે રાજસ્થાનના પ્રતાપગઢમાં બનેલી આઘાતજનક ઘટના અંગે પ્રસાશનની નિષ્ક્રિયતાની નિંદા કરી છે. કમિશને કહ્યું કે કે એક મહિલા પર અત્યાચાર કરવામાં આવ્યો, તેને નિર્વસ્ત્ર કરવામાં આવી અને વીડિયો રેકોર્ડ કરવામાં આવ્યો. બે દિવસ પહેલા બનેલી ઘટના છતાં પોલીસની નિષ્ક્રિયતા અસ્વીકાર્ય છે.
રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે મોડી રાત્રે ટ્વીટ કરીને આ ઘટનાની નિંદા કરી હતી અને તેમણે કહ્યું કે, “પ્રતાપગઢ જિલ્લામાં તેના પારિવારિક વિવાદને કારણે એક મહિલાને તેના સાસરિયાઓ દ્વારા નિર્વસ્ત્ર કરવામાં આવી હોવાનો વીડિયો સામે આવ્યો છે. ડિરેક્ટર જનરલ ઓફ પોલીસને આ મામલે એડીજીક્રાઈમને સ્થળ પર મોકલીને કડક કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. સભ્ય સમાજમાં આવા ગુનેગારો માટે કોઈ સ્થાન નથી. આ ગુનેગારોને વહેલી તકે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસની સુનાવણી થશે.
મુખ્યપ્રધાન અશોક ગેહલોતના નિર્દેશ પર ડીજીપીએ શુક્રવારે રાત્રે એડીજી (ક્રાઈમ)ને પ્રતાપગઢ મોકલ્યા હતા. ડીજીપીનું કહેવું છે કે રાજ્ય સરકારે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. આરોપી સામે કેસ નોંધવામાં આવ્યો છે. પ્રતાપગઢના એસપી અમિત કુમારે ગામમાં જ પડાવ નાખ્યો છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ રાજસ્થાનમાં બનેલી આ શરમજનક ઘટનાને લઈને કોંગ્રેસ પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે રાજસ્થાનના પ્રતાપગઢનો વીડિયો આઘાતજનક છે. સૌથી ખરાબ બાબત એ છે કે રાજસ્થાનમાં શાસન સંપૂર્ણપણે ગેરહાજર છે. મુખ્ય પ્રધાન અને પ્રધાનો જૂથબંધીનો ઉકેલ લાવવામાં વ્યસ્ત છે, અને બાકીનો સમય દિલ્હીમાં રાજવંશને ખુશ કરવામાં વિતાવે છે. રાજ્યમાં મહિલાઓની સુરક્ષાના મુદ્દાને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યો છે. રોજેરોજ મહિલાઓ સામેના ઉત્પીડનની કોઈ ને કોઈ ઘટના બને છે. રાજસ્થાનના લોકો રાજ્ય સરકારને પાઠ ભણાવશે.