કોંગ્રેસે ભાજપના નેતાઓની આસ્થાને રાજકીય ગણાવી, સપાના નેતાએ સવાલ કર્યો કે જો આ જ કામ કોઈ અન્ય જાતિની વ્યક્તિએ કર્યો હોત તો શું થાત?

લખનઉ
ઉત્તરપ્રદેશની ભાજપ સરકારના મંત્રી સતીશ શર્માના શિવલિંગ નજીક હાથ ધોવા મામલે હોબાળો મચી ગયો છે. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ સોશિયલ મીડિયા પર આ મામલે વીડિયો કરતાં આક્રમક વલણ અપનાવ્યું હતું. કોંગ્રેસે ભાજપના નેતાઓની આસ્થાને રાજકીય ગણાવી તો સમાજવાદી પાર્ટીના નેતાએ સવાલ કર્યો કે જો આ જ કામ કોઈ અન્ય જાતિની વ્યક્તિએ કર્યો હોત તો શું થાય?
કોંગ્રેસ અને સપા નેતાઓએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર સતીશ શર્માનો વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં શિવલિંગની ઠીક બાજુમાં તેમના અર્ધ્યની અંદર તેમના હાથ ધોતા દેખાય છે. આ વીડિયોમાં તેમની બાજુમાં મંત્રી જિતિન પ્રસાદ દેખાય છે. જે હાથ જોડીને ઊભા છે.
વીડિયો શેર કરતા કોંગ્રેસે લખ્યું કે યુપી સરકારના મંત્રી સતીશ શર્મા શિવાલયમાં શિવલિંગના અર્ધ્યની નજીક જ હાથ ધોઈ રહ્યા છે. બાજુમાં એક મંત્રી જિતિન પ્રસાદ ઊભા રહીને જોઈ રહ્યા છે. ધર્મના નામે, દેવી-દેવતાઓના નામે રાજકારણ કરનારા અને સત્તા પર બેસનારા આ લોકો પાસે એટલી સામાન્ય બુદ્ધિ પણ નથી કે શિવલિંગની નજીક હાથ ન ધોવાય. આ મંદબુદ્ધિવાળા લોકો માટે અમારી આસ્થા, અમારો વિશ્વાસ, અમારા દેવી-દેવતા ફક્ત રાજકીય ઉદ્દેશ્યોના પૂર્તિના સાધન માત્ર છે. તેનાથી વધારે ન તો તેમને ઈશ્વરમાં આસ્થા છે, ન તો પ્રજાની આસ્થામાં વિશ્વાસ.
જ્યારે સમાજવાદી પાર્ટીના પૂર્વ વિધાન પરિષદ સુનીલ સિંહ યાદવે સીએમ યોગીને ટેગ કરતાં લખ્યું કે લોધેશ્વર શિવલિંગ પર હાથ ધોનારા અધર્મી સતીશ શર્મા યોગી સરકારમાં રાજ્યમંત્રી છે અને સાથમાં બ્રાહ્મણોના સ્વઘોષિત ઈમ્પોર્ટેડ ચહેરો પણ ત્યાં સાથે છે. જો આ જ કામ કોઈ અન્ય જાતિના નેતાએ કર્યું હોત તો અત્યાર સુધી પાખંડી ભાજપના નેતાઓ તેને બરતરફ કરાવી ચૂક્યા હોત. પણ બાબા મૌન કેમ છે?