ઈન્ડિયા-ભારત, સનાતન ધર્મ પર જીભને કાબૂમાં રાખવા મંત્રીઓને મોદીની સલાહ

Spread the love

તમામ મંત્રીઓને કેટલીક શરતોના આધારે સનાતન ધર્મ વિવાદ પર બોલવાની મંજૂરી, ભારત’ અને ‘ઈન્ડિયા’ પર કંઈપણ ન બોલવાની સલાહ


નવી દિલ્હી
ભારતની યજમાની હેઠળ દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બર એમ 2 દિવસ જી20 બેઠક યોજાવાની છે. તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7મી સપ્ટેમ્બરે ઈન્ડોનેશિયાના ટુંકા પ્રવાસે જવાના છે. તો બીજીતરફ જી20ના રાત્રીભોજનના આમંત્રણ કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’નો ઉલ્લેખ કરાતા કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર ‘ઈન્ડિયા’નું નામ હટાવવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે વિપક્ષી નેતાઓ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે, ત્યારે પીએમ મોદીએ આજે ‘ભારત’ અને ‘ઈન્ડિયા’ તેમજ સનાતન ધર્મ અંગે મંત્રીઓને મહત્વની સલાહ આપી છે.
આજે મંત્રી પરિષદની બેઠકમાં વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીને સલાહ આપી છે કે, તેઓ ‘ભારત’ અને ‘ઈન્ડિયા’ પર કંઈપણ ન બોલે… સૂત્રોએ આ જાણકારી આપી છે. ઉપરાંત બેઠકમાં પીએમ મોદીએ સનાતન ધર્મનો પણ ઉલ્લેખ કર્યો છે. તેમણે તમામ મંત્રીઓને કેટલીક શરતોના આધારે સનાતન ધર્મ વિવાદ પર બોલવાની મંજૂરી આપી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાન મોદીએ તેમના મંત્રીઓને એમ પણ કહ્યું છે કે, જી20ની બેઠક પર અધિકૃત વ્યક્તિ સિવાય કોઈપણ મંત્રી ન બોલે… પીએમ મોદીએ જી20ની બેઠકમાં બસ પૂલનો ઉપયોગ કરવાની વિશેષ સલાહ આપી છે. સૂત્રો મુજબ વડાપ્રધાને કહ્યું કે, 9 સપ્ટેમ્બરે યોજાનાર રાત્રિભોજનમાં ભાગ લેનાર મંત્રીઓ વાહનો દ્વારા સંસદ ભવનના પરિસરમાં આવે અને ત્યાંથી બસોમાં બેસી વેન્યૂ સુધી પહોંચે.
જી20ના રાત્રિભોજનમાં આમંત્રિત કરાયેલ મુખ્યમંત્રીઓ તેમના કાફલા સાથે સંસદ ભવન પરિસર સુધી પહોંચશે અને ત્યાંથી બસોમાં બેસી વેન્યૂ જશે… મંત્રીઓ અને મુખ્યમંત્રીઓએ રાત્રિભોજન માટે સંસદ ભવન પરિસરમાં સાંજે 5.50 સુધી પહોંચવાનું રહેશે અને વેન્યૂ સુધી 6.30 સુધીમાં પહોંચવું પડશે.
ઉલ્લેખનિય છે કે, ભારતની યજમાની હેઠળ 9મીને શનિવાર અને 10મી સપ્ટેમ્બરને રવિવારે એમ 2 દિવસ જી20 શિખર સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત વિશ્વભરના ઘણા દેશોના વડાઓ ભાગ લેશે… રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ તરફથી 9મી સપ્ટેમ્બરે જી20 રાત્રિભોજનનું આયોજન કરાયું છે.
જી20 શિખર સંમેલન અગાઉ વડાપ્રધાન મોદી 7મીને ગુરુવારે ઈન્ડોનેશિયા જવા માટે રવાના થશે. પીએમ મોદી આસિયાન-ભારત શિખર સંમેલન અને 18માં પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ઈન્ડોનેશિયાના જકાર્તા જશે. તેઓ ઈન્ડોનેશિયાના ટુંકા પ્રવાસે જશે. પીએમ મોદી આ વર્ષે ઈન્ડોનેશિયાનો બીજી વખત પ્રવાસ કરશે. અગાઉ તેમણે નવેમ્બર-2022માં બાલીમાં જી20 શિખર સંમેલનમાં ભાગ લીધો હતો. આસિયામાં કુલ 10 સભ્ય દેશો છે, જેમાં બ્રુનેઈ, કમ્બોડિયા, ઈન્ડોનેશીયા, લાઓસ, મલેશીયા, મ્યાનમાર, ફિલિપિન્સ, સિંગાપુર, થાઈલેન્ડ અને વિયેતનામનો સમાવેશ થાય છે… આસિયાનની સ્થાપના 1967માં 8મી ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી.
જી20ના રાત્રીભોજનના આમંત્રણ કાર્ડ પર ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’નો ઉલ્લેખ કરાયો છે. જેના કારણે વિપક્ષોએ વિવાદ છંછેડ્યો છે… વિપક્ષોએ ‘પ્રેસિડેન્ટ ઓફ ઈન્ડિયા’ના બદલે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ લખવાને બદલે વાંધો ઉઠાવ્યો છે. વિપક્ષે દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકાર વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાથી ડરી ગઈ છે અને દેશનું નામ બદલવાનો પ્રયાસ કરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *