મુંબઈમાં સારવાર કરાવીને ગુવાહતી જતી મહિલાને ઊંઘ દરમિયાન બાજુમાં બેઠેલા પેસેન્જરે પ્રીવેટ પાર્ટ પર અણછાજતો સ્પર્સ કરતા ફરિયાદ નોંધાવાઈ
મુંબઈ
ફ્લાઈટમાં મુસાફરી કરી રહેલી એક મહિલાએ પણ પોતાની સાથે અણછાજતું વર્તન કરનારા શખ્સને પાઠ ભણાવ્યો છે. શનિવારે મુંબઈથી ગુવાહાટી જઈ રહેલી ફ્લાઈટમાં એક મહિલાની બાજુમાં બેઠેલા પેસેન્જરે વારંવાર તેને અણછાજતો સ્પર્શ કર્યો હતો. મોડીરાતની ફ્લાઈટ હતી અને વિમાન હવામાં હતું, કેબિનની લાઈટ ડીમ કરી દેવાઈ હતી અને એ વખતે અંધારાનો લાભ લઈને શખ્સે બાજુમાં બેઠેલી મહિલાને પકડી લીધી હતી. એરલાઈને જણાવ્યું છે કે, આ શખ્સને ગુવાહાટી પોલીસને સોંપી દેવાયો છે અને તેની સામે એફઆઈઆર નોંધવામાં આવી છે. છેલ્લા બે મહિનામાં ભારતીય પેસેન્જરો સાથે ફ્લાઈટમાં છેડતી થઈ હોય તેવા ઓછામાં ઓછા ચાર કેસ નોંધાયા છે.
તાજી ઘટના ઈન્ડિગોની ફ્લાઈટ 6ઈ-5319માં બની હતી. ફ્લાઈટ રાત્રે 9 વાગ્યા પછી મુંબઈથી ઉપડી હતી અને મધરાત્રે 12.15 કલાકની આસપાસ ગુવાહાટી પહોંચી હતી. પોતાની સાથે થયેલા દુર્વ્યવહાર વિશે વાત કરતાં પીડિતાએ જણાવ્યું કે, હોસ્પિટલમાંથી સાજા થયા બાદ તેને રજા આપવામાં આવી હતી, જે બાદ તે ગુવાહાટી જઈ રહી હતી. મહિલાએ જણાવ્યું કે, તેની આઈલ સીટ હતી અને કેબિનની લાઈટ્સ ડીમ થયા પછી આર્મરેસ્ટ નીચે કરીને તે સૂઈ ગઈ હતી. જ્યારે તેની આંખ ખુલી ત્યારે તેણે નોંધ્યું કે, આર્મરેસ્ટ ઊંચો કરી દેવાયો હતો અને બાજુમાં બેઠેલો પેસેન્જર તેની નજીક આવી ગયો હતો.
“આ જોઈને મને વિચિત્ર લાગણી થઈ કારણકે મને બરાબર યાદ હતું કે મેં આર્મરેસ્ટ નીચો કર્યો હતો. અડધી ઊંઘમાં હોવાના લીધે મેં આ વિશે વધુ વિચાર્યું નહીં અને ફરીથી આર્મરેસ્ટ નીચો કરીને સૂઈ ગઈ. થોડા સમય પછી મારી ફરી આંખ ખુલી તો જોયું કે, બાજુમાં બેઠેલા પુરુષ પેસેન્જરનો હાથ મારી ઉપર હતો અને તેની આંખો બંધ હતી. હું યોગ્ય ખાતરી કર્યા વિના કોઈ નિર્ણય પર નહોતી પહોંચવા માગતી એટલે મેં થોડી રાહ જોઈ. મેં મારી આંખો અર્ધ ખુલ્લી રાખી અને ઊંઘવાનો ડોળ કર્યો”, તેમ મહિલાએ જણાવ્યું.
થોડી મિનિટો પછી મહિલાએ નોંધ્યું કે, બાજુમાં બેઠેલો પેસેન્જર ફરીથી તેને સ્પર્શ કરીને પોતાના પ્રાઈવેટ પાર્ટને અડી રહ્યો હતો. મહિલાએ આગળ કહ્યું, “આ જોયા પછી હું ચીસો પાડવા માગતી હતી પરંતુ ના પાડી શકી. હું આ ઘટનાથી હેબતાઈ ગઈ હતી.” જોકે, છેવટે મહિલા પોતાની બુદ્ધિ વાપરી અને ફરીથી એ શખ્સે તેને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેણે તેનો હાથ ખેંચીને દૂર ખસેડી દીધો, ચીસ પાડી અને સીટ ઉપરની લાઈટ ચાલુ કરીને કેબિન ક્રૂને બોલાવ્યા હતા. “હું બૂમાબૂમ કરી રહી હતી, આંખમાંથી આંસુ નીકળી રહ્યા હતા અને મારી સાથે બનેલી ઘટના વર્ણવતી હતી. આ બધું જોઈને એ શખ્સ માફી માગવા લાગ્યો હતો”, તેમ મહિલાએ વધુમાં ઉમેર્યું.
એરલાઈને પણ આ બાબતની ગંભીર નોંધ લેતા એક્શન લીધા હતા. ઈન્ડિગોએ આ મુદ્દે નિવેદન બહાર પાડીને જણાવ્યું કે, મહિલાએ શારીરિક છેડતીની ફરિયાદ કર્યા બાદ આ શખ્સને ગુવાહાટી પોલીસને સોંપી દેવાયો હતો. “સ્થાનિક પોલીસે શખ્સ સામે ફરિયાદ દાખલ કરી છે અને અમે તેમને તપાસમાં સહકાર કરીશું”, તેમ ઈન્ડિગો એરલાઈને ખાતરી આપી છે. મહિલા સાથે દુર્વ્યવહાર કરનારા શખ્સને સબક મળે એ માટે એરલાઈન, સીઆઈએસએફ, એરપોર્ટ ઓથોરિટી અને ઘટનાના સાક્ષીએ પોલીસ સ્ટેશન જઈને નિવેદન નોંધાવ્યા હતા. જે બદલ મહિલાએ આ સૌનો આભાર માન્યો છે. તેણે કહ્યું, “આ દુનિયામાં તમારા જેવા લોકોની વધુમાં વધુ જરૂર છે.”
છેલ્લા બે મહિનામાં ફ્લાઈટમાં મહિલા પેસેન્જર કે એરહોસ્ટેસ સાથે છેડતી થઈ હોવાના કિસ્સા બન્યા છે. ગત અઠવાડિયે જ મસ્કતથી મુંબઈ આવી રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં એક પેસેન્જરે એરહોસ્ટેસને જબરદસ્તી પકડી લઈને તેને કિસ કરવાની કોશિશ કરી હતી. આ પેસેન્જરની મુંબઈમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સ્પાઈસજેટની દિલ્હીથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં એક શખ્સે મહિલા પેસેન્જર અને ફીમેલ ફ્લાઈટ અટેન્ડન્ટની અભદ્ર તસવીરો ક્લિક કરવાની કોશિશ કરી હતી. આ અંગે 18 ઓગસ્ટના રોજ દિલ્હીના મહિલા આયોગે સુઓ મોટો દાખલ કરી હતી. માલદીવ્સના મેલથી બેંગાલુરુ આવી રહેલી ફ્લાઈટમાં પણ એરહોસ્ટેસ સાથે છેડતી થઈ હતી. 51 વર્ષીય પેસેન્જરે એરહોસ્ટેસ સામે ગંદા ઈશારા કર્યા હતા અને શાબ્દિક છેડતી કરી હતી. તેની પણ બેંગાલુરુમાં ધરપકડ કરવામાં આવી હતી. જુલાઈમાં અબુધાબીથી ચેન્નાઈ જઈ રહેલી ફ્લાઈટમાં પણ એક શખ્સે મહિલા પેસેન્જરને અણછાજતો સ્પર્શ કર્યો હતો.