દેશના 21 રાજ્યોમાં ભારે વરસાદ, જનજીવનને અસર

Spread the love

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો


નવી દિલ્હી
જી-20 સમિટ વચ્ચે રાષ્ટ્રીય રાજધાની સહિત 21 રાજ્યોમાં વાતાવરણ એકાએક પલટાયું હતું. રવિવારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ સહિત પશ્ચિમથી પૂર્વ અને ઉત્તરથી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થયો હતો. યુપીમાં રેલવે અને માર્ગ વાહનવ્યવહારને માઠી અસર થઈ હતી. જ્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે બંધ થઈ ગયો હતો.
ત્રણ દિવસના વરસાદની સાથે રવિવારે ચમોલીમાં સિઝનની પ્રથમ હિમવર્ષા પણ થઈ હતી. વરસાદ અને હિમવર્ષાના કારણે બદ્રીનાથ ધામ, હેમકુંડ સાહિબ અને ફૂલોની ખીણમાં ઠંડીનો ચમકારો વધ્યો છે. કેદારનાથના પર્વતો ઉપરાંત બદ્રીનાથ ધામના નીલકંઠ, નર નારાયણ પર્વત સહિત અન્ય શિખરો પર પણ હિમવર્ષા થઈ છે. હવામાન વિભાગે (આઈએમડી) આ દરમિયાન આગળ પણ વરસાદી માહોલ અને પહાડો પર હિમવર્ષાને પગલે ઠંડીનો ચમકારો વધવાની આગાહી કરી છે.
રાજસ્થાનમાં ભારે વરસાદને કારણે રવિવારે સવારે ઝાંસી ડિવિઝનના હેતમપુર-ધોલપુર વચ્ચે ઝાંસી-દિલ્હી ટ્રેક ધસી ગયો હતો. ટ્રેકની નીચેથી માટી અને કોંક્રિટ-કપચી ધસી પડતાં વિવિધ સ્થળોએ ટ્રેનોને જ્યાં ત્યાં જ અટકાવી દેવામાં આવી હતી. જેના કારણે લગભગ સાડા ચાર કલાક સુધી રેલવે વ્યવહાર પ્રભાવિત થયો હતો. વંદે ભારત, શતાબ્દી, ગતિમાન અને રાજધાની સહિત 20 ટ્રેનો કલાકો સુધી મોડી પડી હતી. રેલવેએ બે પેસેન્જર ટ્રેનો રદ કરી છે.
મુરાદાબાદમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા. કોલોનીઓમાં પાણી ઘૂસી ગયા હતા. મુંઢાપાંડે રેલ્વે ટ્રેક ડૂબી જવાને કારણે મુરાદાબાદ અને બરેલી વચ્ચે રેલ વ્યવહાર ઠપ થઈ ગયો હતો. જેના કારણે કાઠગોદામ-જેસલમેર, કાઠગોદામ-દહેરાદૂન સહિત મુરાદાબાદ ડિવિઝનની આઠ ટ્રેનો રદ કરવી પડી હતી. જ્યારે ગાઝિયાબાદમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. લોકો ઘરોમાં કેદ થઈ જવા મજબૂર થઈ ગયા હતા. વાહનો પાણીમાં અડધે સુધી ગરકાવ થઈ ગયા હતા. લાલકુવાંમાં રોડ પર એક ખાડામાં કાર બેકાબૂ થઈને પલટી ગઈ હતી. લખનઉમાં પણ ભારે વરસાદને પગલે હાહાકાર મચી ગયો હતો. બે દિવસ સ્કૂલોમાં રજા જાહેર કરવાની ફરજ પડી હતી. આ સાથે ભયંકર વીજળી પણ પડી હતી.
વરસાદના કારણે દિલ્હીમાં પારો સામાન્ય કરતા પાંચ ડિગ્રી નીચે સરકી ગયો હતો. મહત્તમ તાપમાન 28.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અહીં રવિવાર સવાર સુધી 24 કલાકમાં 38.6 મીમી વરસાદ નોંધાયો હતો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *