જી20 સમિટ પાછળ સરકારે 4100 કરોડનો ખર્ચ કર્યો

Spread the love

જર્મની દ્વારા જી20 સમિટ કાર્યક્રમ પાછળ ખર્ચવામાં આવેલી રકમ કરતાં પણ 7 ગણી વધુ રકમનો ખર્ચ ભારતે કર્યો


નવી દિલ્હી
જી20 સમિટ 2023 નું સફળતાપૂર્વક સમાપન થયું. ભારતના નેતૃત્વમાં આયોજિત આ સમિટની ઘણી પ્રશંસા થઈ હોવાના દાવા થઈ રહ્યા છે. જોકે શું તમે એ જાણો છો કે આ જી20 સમિટના આ આયોજન માટે કેટલો ખર્ચ કર્યો? સરકારી રેકોર્ડ અનુસાર 9-10 સપ્ટેમ્બરે યોજાયેલી આ સમિટ માટે સરકારે 4100 કરોડ રૂપિયાથી વધુનો ખર્ચો કરી નાખ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. તમને જાણીને એ પણ નવાઈ લાગશે કે ભારતે આ જી20 સમિટના આયોજન પાછળ જર્મની દ્વારા જી20 સમિટ કાર્યક્રમ પાછળ ખર્ચવામાં આવેલી રકમ કરતાં પણ 7 ગણી વધુ રકમ ખર્ચ કરી.
પશ્ચિમ બંગાળથી રાજ્યસભાના સભ્ય અને તૃણમૂલ કોંગ્રેસના નેતા સાકેત ગોખલેએ જી20 સમિટ પર કરાયેલા ખર્ચ અંગે સવાલો ઊઠાવ્યા હતા. ગોખલેએ એક ટ્વિટ કરતાં જી20 માટે જર્મનીની વેબસાઈટની તસવીર શેર કરી હતી. તેમાં 2017માં જર્મની દ્વારા ખર્ચવામાં આવેલી રકમનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ વેબસાઇટ અનુસાર તમને જણાશે કે તે સમયે જર્મનીએ જી20 સમિટના આયોજન પાછળ 641.3 કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો હતો. આ રકમ ભારતની મોદી સરકાર દ્વારા ખર્ચવામાં આવેલી રકમ કરતાં લગભગ સાત ગણી ઓછી છે. જોકે સરકારે અત્યાર સુધી જી20 સમિટ પાછળ કેટલો ખર્ચ કરાયો તે અંગે કોઈ વિગતવાર સત્તાવાર માહિતી જાહેર કરી નથી.
રેકોર્ડ્સ અનુસાર આ ખર્ચને સામાન્ય રીતે 12 કેટેગરીમાં વહેંચાયા હતા. 2023-24ના બજેટમાં જી20 સંમેલનના નેતૃત્વ માટે 990 કરોડ રૂપિયાની ફાળવણી કરાઈ હતી. જોકે એ પ્રમાણે પણ જોવામાં આવે તો જે ખર્ચ જણાવાયો છે તે લગભગ ચાર ગણો વધુ છે. સરકારે આ આયોજન માટે દિલ્હીના સૌંદર્યકરણ પાછળ ભારે ભરખમ રકમ ખર્ચી નાખી હતી.
અગાઉ અન્ય દેશોએ જી20 સમિટની મેજબાની પર કેટલો ખર્ચ કર્યો હતો.
2022માં ઈન્ડોનેશિયાના બાલીમાં જી-20 સમિટ યોજાઈ હતી. આ સમિટનું બજેટ આશરે 674 બિલિયન ઇન્ડોનેશિયન રૂપિયા એટલે કે 364 કરોડથી વધુ હતું.
2019ની જી20 સમિટ જાપાનમાં યોજાઈ હતી. ટ્વિટર પર ‘ધ વર્લ્ડ રેન્કિંગ’ દ્વારા ટ્વિટ કરવામાં આવેલા ડેટા અનુસાર, જાપાનના ઓસાકામાં આયોજિત આ સમિટમાં 320 મિલિયન ડૉલર અથવા 2,660 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
2018ની જી20 સમિટ આર્જેન્ટિનાના બ્યુનસ આયર્સમાં યોજાઈ હતી. અહેવાલ અનુસાર તેનું બજેટ 11.2 કરોડ ડોલર એટલે કે લગભગ 931 કરોડ રૂપિયા હતું.
2017માં જી20 સમિટ જર્મનીમાં યોજાઈ હતી. જર્મનીની સત્તાવાર જી20 વેબસાઇટ અનુસાર, હેમ્બર્ગમાં આયોજિત આ સમિટનો ખર્ચ 72.2 મિલિયન યુરો એટલે કે 642 કરોડ રૂ.ની આજબાજુ હતો.
વર્ષ 2016માં ચીનના હાંગઝોઉમાં જી20 સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ અનુસાર, આ સમિટમાં 24 બિલિયન ડૉલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ રકમ રૂ. 1.9 લાખ કરોડ જેટલી થાય છે.
ઓસ્ટ્રેલિયાએ 2014માં જી20 કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. ઓસ્ટ્રેલિયાએ બ્રિસ્બેનમાં આ સમિટની યજમાનીમાં 400 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર ખર્ચ્યા હતા. ઉપરાંત, સુરક્ષા માટે 100 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર ખર્ચવામાં આવ્યા હતા. આ રીતે કુલ ખર્ચ રૂ. 2,653 કરોડથી વધુ થયો હતો.
જી20 કોન્ફરન્સ 2013માં રશિયામાં યોજાઈ હતી. રશિયા દ્વારા આયોજિત 2013 જી20 સેન્ટ પીટર્સબર્ગ સમિટનો ખર્ચ અંદાજે 2 બિલિયન RUB હતો, જે રૂ. 170 કરોડથી વધુ થાય છે.
ફ્રાન્સે 2011માં જી20 સમિટનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટનો ખર્ચ 8 કરોડ યુરો (લગભગ 712 કરોડ રૂપિયા) થી વધુ હતો.
કેનેડાએ 2010માં જી20 સમિટની યજમાની સંભાળી હતી. આ સમિટમાં 715 મિલિયન CAD એટલે કે લગભગ રૂ. 4351 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

Loading

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *