ડીએમકેના નેતાઓને આવા નિવેદનો આપતા રોકવા અને તમિલનાડુમાં સનાતન ધર્મ વિરુદ્ધ યોજાઈ રહેલા કાર્યક્રમોને ગેરબંધારણીય જાહેર કરવા અરજીમાં માગ
નવી દિલ્હી
સનાતન ધર્મ વિરુદ્ધ ઉદયનિધિ સ્ટાલિન અને એ.રાજાના નિવેદન સામે સુપ્રીમકોર્ટમાં અરજી દાખલ કરાઈ છે. આ અરજી ચેન્નઈના વતની એક વકીલે દાખલ કરી હતી. ડીએમકે નેતા અને તમિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિએ સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ, મલેરિયા સાથે કરી હતી. તેના પછી ડીએમકે સાંસદ એ.રાજાએ સનાતન ધર્મની તુલના એચઆઈવી સાથે કરી હતી. બંને નેતાઓના નિવેદન સામે ભાજપ નિશાન તાકી રહ્યું છે.
આ મામલે ચેન્નઈના વકીલે તેમની અરજીમાં ઉદયનિધિ અને એ.રાજા સામે એફઆઈઆર નોંધવાની માગ કરી હતી. તેમાં જણાવ્યું કે ડીએમકેના નેતાઓને આવા નિવેદનો આપતા રોકવામાં આવે. તમિલનાડુમાં સનાતન ધર્મ વિરુદ્ધ યોજાઈ રહેલા કાર્યક્રમોને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. અરજીમાં માગ કરાઈ કે એ વાતની તપાસ થાય કે ક્યાંક આવા લોકોને સરહદ પારથી ફન્ડિંગ તો નથી થઈ રહ્યું ને? આ નેતાઓ અને LTTE વચ્ચેની લિંકની પણ તપાસ થવી જોઇએ.
અરજદારે શુક્રવારે ચીફ જસ્ટિસ ડી.વાય.ચંદ્રચૂડને તેમની અરજી પર જલદી સુનાવણી કરવા આગ્રહ કર્યો હતો. ચીફ જસ્ટિસે કહ્યું કે તે સુનાવણી માટે નક્કી પ્રક્રિયાનું પાલન કરે. તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે.સ્ટાલિનના દીકરા ઉદયનિધિ તેમના નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે.