સાતમાંથી ચાર વખત ભારત અને ત્રણ વખત શ્રીલંકાની ટીમે ટાઈટલ જીત્યું છે
કોલંબો
ભારત અને શ્રીલંકાના રૂપમાં એશિયા કપને બે ફાઈનલિસ્ટ મળી ગયા છે. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ આવતીકાલે કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. એશિયા કપ 2023માં ભારત ફાઈનલમાં પહોંચનાર પ્રથમ ટીમ બની હતી. ત્યારબાદ સુપર-4માં શ્રીલંકા પાકિસ્તાનને હરાવી ફાઈનલમાં પહોંચી હતી. એશિયા કપમાં પહેલીવાર નહી હોય કે ભારત અને શ્રીલંકાની ટીમ સામેસામે હશે. આ પહેલા ફાઈનલમાં બંને ટીમોની 7 વખત ટક્કર થઇ ચુકી છે.
ભારત અને શ્રીલંકા વચ્ચે પહેલી ફાઈનલ મેચ વર્ષ 1988માં રમાઈ હતી જેમાં ભારતને જીત મળી હતી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધી રમાયેલી 7 ફાઈનલ મેચોમાં ભારત 4 વખત જીત્યું છે, જયારે શ્રીલંકાએ ભારત સામે 3 વખત જીત મેળવી છે. બંને ટીમો વચ્ચે બીજી ફાઈનલ મેચ વર્ષ 1991માં રમાઈ હતી જેમાં ભારતે ફરી જીત હાંસલ કરી હતી. વર્ષ 1995માં ભારતીય ટીમે ફાઈનલમાં શ્રીલંકા સામે જીત મેળવી જીતની હેટ્રિક લગાવી હતી.
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી એશિયા કપની ફાઈનલ મેચોમાં પહેલા ભારતે સતત ત્રણ વખત શ્રીલંકાને હરાવી જીતની હેટ્રિક લગાવી હતી. તે પછી વર્ષ 1997, 2004 અને 2008માં શ્રીલંકાએ ભારત વિરુદ્ધ ફાઈનલમાં સતત ત્રણ જીત મેળવી હેટ્રિક લગાવી હતી. જો કે તે પછી બંને ટીમો વચ્ચે અંતિમ ફાઈનલ મેચ વર્ષ 2010માં રમાઈ હતી, જેમાં ભારતે વિજય મેળવી લીડ મેળવી હતી. હવે જોવાનું એ રહેશે કે બંને ટીમોમાંથી એશિયા કપ 2023ની ફાઈનલ મેચ જીતી કઈ ટીમ ટાઈટલ પોતાના નામે કરશે.
એશિયા કપમાં ભારત-શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી રમાયેલી ફાઈનલ મેચમાં વિજેતા
ભારત – વર્ષ 1988
ભારત – વર્ષ 1991
ભારત – વર્ષ 1995
શ્રીલંકા – વર્ષ 1997
શ્રીલંકા – વર્ષ 2004
શ્રીલંકા – વર્ષ 2008
ભારત – વર્ષ 2010