શેફાલીએ 39 બોલમાં 67 રન બનાવ્યા જે દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા

નવી દિલ્હી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ એશિયન ગેમ્સ 2023ની સેમિફાઈનલમાં પહોંચી ગઈ છે. ભારત અને મલેશિયા વચ્ચે રમાયેલી મેચ વરસાદના કારણે રદ્દ થઇ હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 2 વિકેટના નુકસાને 173 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મલેશિયાની ટીમ માત્ર 2 બોલ જ રમી શકી હતી. ભારત તરફથી બેટિંગ કરતા શેફાલી વર્માએ ઈતિહાસ રચ્યો હતો. તે એશિયન ગેમ્સમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ ભારતીય ખેલાડી બની ગઈ છે.
ભારતીય ઇનિંગની શરૂઆત કરવા સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા મેદાન પર ઉતરી હતી. સ્મૃતિ 16માં 27 રન બનાવી આઉટ થઇ હતી. જયારે શેફાલીએ 39 બોલમાં 67 રન બનાવ્યા હતા. આ દરમિયાન શેફાલીએ 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. શેફાલી ભારત માટે એશિયન ગેમ્સમાં ફિફ્ટી ફટકારનાર પ્રથમ મહિલા ખેલાડી બની ગઈ છે.
ભારત માટે જેમિમા રોડ્રિગ્સ 47 રન બનાવી અણનમ રહી હતી. તેણે 29 બોલમાં 6 ચોગ્ગા ફટકાર્યા હતા. જયારે રિચા ઘોષ 7 બોલમાં 21 રન બનાવી અણનમ રહી હતી. રિચાએ આ દરમિયાન 3 ચોગ્ગા અને 1 છગ્ગો પણ ફટકાર્યો હતો. ટાર્ગેટનો પીછો કરતા મલેશિયાની ટીમ માત્ર 2 બોલ જ રમી શકી હતી. ત્યારબાદ વરસાદના કારણે મેચ રદ્દ કરવામાં આવી હતી. ભારતીય ટીમે સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. હવે સેમિફાઈનલ 24 સેપ્ટેમ્બરના રોજ રમાશે અને ફાઈનલ 25 સેપ્ટેમ્બરે રમાશે.