સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા
અમદાવાદ
સુરત બાદ અમદાવાદમાં ઇન્કમટેક્સ વિભાગે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. જેમાં શહેરના જાણીતા બિલ્ડરો પર ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. આ પહેલા સુરતમાં ડાયમંડ અને જ્વેલર્સ સાથે સંકળાયેલા ત્રણ મોટા ગ્રુપ પર તવાઈ બોલાવી હતી. શહેરમાં લાંબા સમય બાદ ઈન્કમટેક્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર સવારથી જ ઈન્કમટેક્સ વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. આ સિવાય સ્વાતિ બિલ્ડકોન સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડા પાડવામાં આવ્યા છે જેમાં સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં તપાસની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત મહેશ કેમિકલ ગ્રુપના અલગ-અલગ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે.
ઈન્કમટેક્સ વિભાગ દ્વરા શહેરમાં 35થી 40 સ્થળો પર દરોડા અને સર્વેનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે જેમાં આંબલી રોડ ઉપર આવેલી બિલ્ડરોની મુખ્ય ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. ઇન્કમટેક્સના આ મેગા ઓપરેશનમાં અમદાવાદ બરોડા અને રાજકોટના 100થી પણ વધુ અધિકારીઓ જોડાયા છે. આ સર્ચ ઓપરેશનના અંતે મોટાપાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી સંભાવના છે.