દિલ્હીમાં 11 ઓક્ટોબરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે
નવી દિલ્હી
ભારતે ઓસ્ટ્રેલિયા સામે ગઈકાલે રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટથી હરાવ્યું હતું. પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ માટે વન-ડે વર્લ્ડ કપ2023ની શરૂઆતથી જ મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લઇ રહી નથી. ટીમના સ્ટાર ઓપનર શુભમન ગિલ ડેન્ગ્યૂના કારણે ઓસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ રમી શક્યો ન હતો. હવે સમાચાર આવી રહ્યા છે કે ગિલ દિલ્હીમાં અફઘાનિસ્તાન સામે રમાનાર મેચમાં પણ ભાગ લઇ શકશે નહીં.
શુભમન ગિલને લઈને બીસીસીઆઈ દ્વારા જારી કરવામાં આવેલા મેડિકલ અપડેટમાં જણાવવામાં આવ્યું છે કે તે અફઘાનિસ્તાન સામે રમાનાર વન-ડે વર્લ્ડ કપ 2023ની બીજી મેચમાં પણ ભારતીય ટીમમાં સામેલ થઇ શકશે નહીં. તે ચેન્નઈમાં રહીને પોતાની સારવાર કરાવશે. ભારતીય ટીમ આજે બીજી મેચ રમવા માટે દિલ્હી જશે પરંતુ ગિલ ટીમ સાથે નહીં હોય. તે ચેન્નઈમાં જ રહીને મેડિકલ ટીમની દેખરેખ હેઠળ રહેશે. દિલ્હીમાં 11 ઓક્ટોબરે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાશે.
ઓસ્ટ્રેલિયા સામે વન-ડે વર્લ્ડ કપ2023ની પ્રથમ મેચમાં ભારતીય ટીમે શુભમન ગિલની ખોટ અનુભવી હતી. ગિલની જગ્યાએ ઇશાન કિશનને પ્લેઇંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો હતો. તે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. જો કે તે કંઈ ખાસ કરી શક્યો ન હતો.