અફઘાનિસ્તાન ટીમનો સ્ટાર સ્પિનર રાશિદ ખાને જાહેર કર્યું કે તે વર્લ્ડ કપમાં મળેલી પોતાની આખી મેચ ફી દાન કરશે
કાબૂલ
અફઘાનિસ્તાનમાં શનિવારે આવેલ ભારે ભૂકંપના આંચકાથી તારાજી સર્જાઈ હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ માહિતી આપતાં જણાવ્યું કે, અડધા કલાકના ગાળામાં જ દેશમાં છ વખત ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેમાં 2000 જેટલો મૃત્યુઆંક નોંધાયો હતો જે આંકડો વધીને 4000 સુધી પહોંચ્યો છે. યુએસજીએસ મુજબ, ધરતીકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના સૌથી મોટા શહેર હેરાતથી 40 કિલોમીટર ઉત્તરપશ્ચિમમાં હતું. યુએનએ તો સૌથી પહેલાં 100ના મૃત્યુ થયા હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે પછી ઘણાં વધુ મૃત્યુ થયા હોવાની માહિતી મળતા યુએનની ‘કો-ઓર્ડીનેશન ઓફ હ્યુમેનિટેરિયન અર્ફેસની ઓફીસે’ તત્કાળ સહાય મોકલવા તૈયારી શરૂ કરી દીધી હતી. ઉપરાંત એવા પણ અહેવાલો છે કે ભૂકંપથી ઘણી બિલ્ડીંગ જમીનમાં ઘ્વસ્ત થઇ હતી તો મોટા ભાગની ઈમારતોને ભારે નુકશાનીની થઇ હોવાનું સામે આવ્યું છે.
અહેવાલ અનુસાર 6.3 ની તીવ્રતાવાળા ભૂકંપ બાદ ક્રમશ: 5.5, 4.7, 6.3, 5.9 અને 4.6 ની તીવ્રતાવાળા ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેના લીધે લોકો ફફડી ઊઠ્યા હતા અને નાસભાગ મચી ગઈ હતી. એક સ્થાનિકે કહ્યું કે નેટવર્ક કનેક્શન ઠપ થઇ ગયા છે. મૃતકાંક વધી શકે છે કેમ કે ગ્રામીણ અને પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટના બની હતી.
અફઘાનિસ્તાન ટીમનો સ્ટાર સ્પિનર રાશિદ ખાને જાહેર કર્યું કે તે વર્લ્ડ કપમાં મળેલી પોતાની આખી મેચ ફી દાન કરશે. તેણે અફઘાનિસ્તાનમાં ભૂકંપથી પ્રભાવિત પીડિતોની મદદ માટે પોતાના પૈસા દાનમાં આપ્યા હતા.
અફઘાનિસ્તાનનાં માહિતી અને સાંસ્કૃતિક મંત્રાલયના પ્રવકતા અબ્દુલ વાહીદ શયાને જણાવ્યું હતું કે, સૌથી પહેલા હેરાત વિભાગમાં ભૂકંપ થયો હોવાની માહિતી બહાર આવી તે પછી લગભગ તુર્ત જ જાણવા મળ્યું કે એ વિસ્તારનાં આશરે 6 ગામો તો તદ્દન તારાજ થઈ ગયા હતા. હજી પણ સેંકડો લોકો મલબા નીચે દબાયેલા હોવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. આ સાથે પ્રવકતાએ લોકોને પણ સહાય માટે કામે લાગવા વિનંતિ કરી હતી.