મુંબઈ
આઇ.ઓ.સી. પ્રમુખ થોમસ બાકે ગુરુવાર 12 ઓક્ટોબરે મુંબઈમાં આઇ.ઓ.સી. એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકના પ્રથમ દિવસે તેમના પ્રારંભિક સંબોધનમાં રિલાયન્સ ફાઉન્ડેશન અને નીતા એમ. અંબાણીની પ્રશંસા કરી હતી.
બાકે કહ્યું કે તેઓ નવી મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ એકેડમીની મુલાકાત વખતે જે જોયું તેનાથી તેઓ પ્રભાવિત થયા હતા. ઇબી મીટિંગ પહેલા 12મી ઓક્ટોબરના રોજ પ્રમુખ બાકની શરૂઆતની ટિપ્પણી.
“મેં આપણાં આઇ.ઓ.સી.ના સાથીદાર અને મિત્ર નીતા અંબાણી સાથે તેમના રિલાયન્સ ફાઉન્ડેશન અને બાળકો તથા યુવાનોને રમતગમત અને શિક્ષણના સંદર્ભમાં જે તાલીમ આપી રહ્યા છે તેની મુલાકાત લીધી હતી. હું રિલાયન્સ અને તેની ટીમથી ખરેખર ખૂબ જ પ્રભાવિત થયો છું કારણ કે તમે આ કેન્દ્રમાં સમગ્ર ભારતમાંથી આવેલા બાળકોને જોઈ શકો છો. અને તેમાંના મોટાભાગના વંચિત પરિવારોમાંથી આવે છે અને તેમને શિક્ષણ તથા શાળાકીય પ્રવૃત્તિ પૂરી પાડવામાં આવે છે. અને તેની સાથે જ, તેમને એથ્લેટ, ઉચ્ચ સ્તરના એથ્લેટ, બનવાની તૈયારી કરવાની તક આપવામાં આવે છે,” તેમ શ્રી બાકે કહ્યું હતું.
બાક ખાસ કરીને રિલાયન્સ ફાઉન્ડેશન અને તેના ચેરપર્સન તથા આઇ.ઓ.સી. સભ્ય અંબાણીના અભિગમથી ખુશ હતા. તેમના અભિપ્રાય અનુસાર આ અભિગમ ઓલિમ્પિક મૂલ્યોનું આબેહૂબ પ્રતિબિંબ હતું.
“આ (રિલાયન્સ ફાઉન્ડેશનની પ્રવૃત્તિ) અમારા ઓલિમ્પિક મૂલ્યો અને અમારા અભિગમને બરાબર પ્રતિબિંબિત કરે છે, તે અમારી સ્ટ્રેટેજીમાં પણ સામેલ છે. પરંતુ આપણાં સાથીદાર દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહેલી ખાનગી સંસ્થા રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આટલા મોટા સ્તર પર થઈ રહેલું કાર્ય ખરેખર અત્યંત પ્રભાવશાળી છે અને સ્પોર્ટ્સના ભવિષ્ય, ભારતમાં ઓલમ્પિકના ભવિષ્ય માટે ખૂબ પોત્સાહક છે,” તેમ મિસ્ટર બાકે ઉમેર્યું હતું.
અગાઉ આ અઠવાડિયામાં ઓલિમ્પિક મ્યુઝિયમ સાથે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (આઇ.ઓ.સી.)એ ભારતમાં ઓલિમ્પિક વેલ્યુ એજ્યુકેશન પ્રોગ્રામ (OVEP)ની સફળતાને આગળ વધારવા માટે રિલાયન્સ ફાઉન્ડેશન સાથે જોડાણ કર્યું હતું અને નવા સહકાર કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર યુવાનોમાં રમત દ્વારા ઓલિમ્પિક મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે સંસ્થાઓની સહિયારી પ્રાથમિકતા પર ભાર મૂકે છે.
આઇ.ઓ.સી.ના પ્રમુખ થોમસ બાક અને ભારતમાં આઇ.ઓ.સી.ના સભ્ય અને રિલાયન્સ ફાઉન્ડેશનના સ્થાપક ચેરપર્સન નીતા અંબાણી મુંબઈમાં રિલાયન્સ ફાઉન્ડેશન યંગ ચેમ્પ્સ (RFYC) ફૂટબોલ એકેડમીની મુલાકાત દરમિયાન નવા સહકાર કરાર માટે સંમત થયા હતા, જેનો બાકે ઉલ્લેખ કર્યો હતો.