ભાજપ વિવિધ સમુદાયો, ધર્મો અને સંસ્કૃતિઓ વચ્ચે હિંસા અને ઘમંડને પ્રોત્સાહન આપી રહ્યું હોવાનો કોંગ્રેસના નેતાનો આક્ષેપ
ઐઝવાલ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસ માટે મિઝોરમના પ્રવાસે છે. એવામાં આજે તેમણે આઈઝોલમાં એક કાર્યક્રમને સંબોધતા મણિપુરમાં ચાલી રહેલી હિંસાનો ઉલ્લેખ કર્યો હતો. આ દરમિયાન તેમણે કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું હતુ.
વિધાનસભા ચૂંટણી પહેલા આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મિઝોરમ પહોંચ્યા હતા. તેમણે અહીંના કાર્યક્રમમાં મણિપુર હિંસાનો મુદ્દો ઉઠાવ્યો હતો. રાહુલ ગાંધીએ ભાજપ પર મણિપુરના વિચારને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, હું થોડા મહિના પહેલા મણિપુર ગયો હતો. ભાજપે મણિપુરના વિચારને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધા છે. ત્યાં લોકોની હત્યા થઈ રહી છે, મહિલાઓ દુષ્કર્મનો શિકાર થઇ રહી છે. નાના બાળકોને પણ મારવામાં આવી રહ્યા છે. મને એ વાતથી આશ્ચર્ય થાય છે કે વડાપ્રધાન અને ભારત સરકારને ઈઝરાયેલ-હમાસ વચ્ચે થઇ રહેલા યુદ્ધમાં આટલો રસ છે, પરંતુ મણિપુરમાં શું થઈ રહ્યું છે તેની ચિંતા નથી. મણિપુર હવે એક સંપૂર્ણ રાજ્ય રહ્યું નથી તેને ટુકડા-ટુકડામાં વહેચી દેવામાં આવ્યું છે.
આ દરમિયાન રાહુલ ગાંધીએ તેમની ભારત જોડો યાત્રાનું મહત્વ જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે, ભારત જોડોના વિચારે દેશમાં પરસ્પર આદર, સહિષ્ણુતા, એકબીજાના વિચારોમાંથી શીખવા અને એકબીજા પ્રત્યેના પ્રેમને પ્રોત્સાહન આપ્યું છે. આ વિચાર ભાજપને હાલમાં પડકારી રહ્યો છે. ભાજપ વિવિધ સમુદાયો, ધર્મો અને સંસ્કૃતિઓ વચ્ચે હિંસા અને ઘમંડને પ્રોત્સાહન આપી રહ્યું છે.