ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મોઈત્રા વિરુદ્ધ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો, જેમાં મોઈત્રા પર સંસદમાં પ્રશ્ન પુછવા ઉદ્યોગપતિ પાસે લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો
નવી દિલ્હી
લોકસભામાં પ્રશ્ન પૂછવા લાંચ લેવાના મામલે ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રાની મુશ્કેલીમાં વધારો થયો છે. ભાજપ સાંસદે તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે, ઉપરાંત આ મામલો આચાર સંહિતા સમિતી પાસે મોકલાયો છે.
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ મહુઆ મોઈત્રા વિરુદ્ધ રવિવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પત્ર લખ્યો હતો, જેમાં દુબેએ ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર સંસદમાં પ્રશ્ન પુછવા એક ઉદ્યોગપતિ પાસે લાંચ લીધી હોવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ મોઈત્રાએ આરોપોને રદીયો આપ્યો હતો અને તેમના પર લાગેલા આરોપોની તપાસ કરવા સમિતિ રચવા લોકસભા અધ્યક્ષને વિનંતી કરી. ઉલ્લેખનિય છે કે, ભાજપ સાંસદ વિનોદકુમાર સોનકર લોકસભાની આચાર સંહિતા સમિતીના અધ્યક્ષ છે.
નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષને લખેલા પત્રમાં સાંસદ સભ્ય મહુઆ મોઈત્રા પર આરોપ લગાવતા લખ્યું છે કે, તેમણે વિશેષાધિકારનું ગંભીર ઉલ્લંઘન કર્યું છે, સંસદનું અપમાન કર્યું છે. દુબેએ ભારતીય દંડ સંહિતાની કલમ 120-એ હેઠળ એક ગુનામાં મોઈત્રાની સીધી સંડોવણી હોવાનો આરોપ લગાવ્યો છે.
નિશિકાંત દુબેએ એક વકીલ દ્વારા મળેલા પત્રને ટાંકીને કહ્યું હતું કે, વકીલે તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) નેતા અને એક ઉદ્યોગપતિ વચ્ચે લાંચની લેવડ-દેવડના પુરાવા શેર કર્યા છે. ભાજપ સાંસદે આરોપ લગાવ્યો કે, તાજેતરમાં લોકસભામાં મોઈત્રા દ્વારા પૂછાયેલા 61 પ્રશ્નોમાંથી 50 પ્રશ્નો અદાણી ગ્રૂપ પર કેન્દ્રીત હતા, જેમાં તૃણમુલ સાંસદે વારંવાર ગેરવર્તનનો આરોપ લગાવ્યો છે.
મહુવા મોઈત્રાએ દુબેનું નામ લીધા વગર ‘એક્સ’ પર ઘણી પોસ્ટ શેર કરી હતી અને અદાણી ગ્રુપ પર હુમલા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ફેક ડિગ્રીવાળા અને ભાજપના અન્ય નેતાઓ સામે વિશેષાધિકાર ભંગના ઘણા મામલા પેન્ડિંગ છે. લોકસભા અધ્યક્ષ દ્વારા તેમના પિન્ડિંગ દરખાસ્તોના નિકાલ કર્યા બાદ મારી વિરુદ્ધ કોઈપણ પ્રસ્તાવનું સ્વાગત છે. ઉપરાંત મારા દરવાજા પર આવતા પહેલા અદાણી કોલસા કૌભાંડમાં ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરોક્ટોરેટ) અને અન્ય દ્વારા એફઆઈઆર દાખલ થાય તેની રાહ જોઈ રહી છું.