સતત ફગાવવામાં આવી રહેલી જામીન અરજીઓની વચ્ચે સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઈડીને કહ્યું હતું કે, સિસોદિયાને અનિશ્ચિત સમય સુધી જેલમાં ન રાખી શકાય
નવી દિલ્હી
સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી લીકર પોલિસી કૌભાંડ મામલે દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની જામીન અરજી પર પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. સિસોદિયાની સીબીઆઈ અને ઈડી બંને દ્વારા તપાસ કરવામાં આવી રહેલી દિલ્હી લીકર પોલિસી કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દિલ્હી લીકર પોલિસી કેસમાં જેલમાં બંધ છે. આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાના જેલમાં 8 મહિના થઈ ગયા છે. સીબીઆઈ અને ઈડી આ મામલે તપાસ કરી રહી છે. સતત ફગાવવામાં આવી રહેલી જામીન અરજીઓની વચ્ચે સુપ્રીમ કોર્ટે સોમવારે સીબીઆઈ અને ઈડીને કહ્યું હતું કે, સિસોદિયાને અનિશ્ચિત સમય સુધી જેલમાં ન રાખી શકાય.
સીબીઆઈ અને ઈડી એ સોમવારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, અમે દિલ્હી લીકર પોલિસી મામલે આમ આદમી પાર્ટીને આરોપી બનાવવા પર વિચાર કરી રહ્યા છે. તપાસ એજન્સીઓ તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું હતું કે, તેઓ લીકર પોલિસી કૌભાંડ મામલે આપને આરોપી બનાવવા પર વિચાર કરી રહ્યા છે. કેસમાં મનીષ સિસોદિયાની જામીન અરજી પર સુનાવણી દરમિયાન તપાસ એજન્સીઓએ આ દલીલ આપી હતી.
આ અગાઉ 5 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે દિલ્હી લીકર પોલિસીના લાભાર્થીઓને લઈને તપાસ એજન્સીઓને ગંભીર સવાલ પૂછ્યા હતા. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે લાભાર્થી આપને મની લોન્ડરિંગ કેસમાં આરોપી કેમ ન બનાવવામાં આવી?
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ એસવીએન ભાટીની ખંડપીઠે આ સવાલ ત્યારે ઉઠાવ્યો હતો જ્યારે ભ્રષ્ટાચાર મામલે પૂર્વ ડેપ્યુટી સીએમ અને આપ નેતા મનીષ સિસોદિયાની બે અલગ-અલગ જામીન અરજીઓ પર સુનાવણી શરૂ કરી હતી જેની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. ઈડી દ્વારા સંબંધિત મની લોન્ડરિંગ કેસની તપાસ કરવામાં આવી રહી છે. ઈડીએ દાવો કર્યો હતો કે, આમ આદમી પાર્ટીએ 2022ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં પોતાના પ્રચાર માટે ઘણા હિતધારકો પાસેથી લાંચમાં મળેલા 100 કરોડ રૂપિયાનો ઉપયોગ કર્યો હતો.
સિસોદિયાની ‘કૌભાંડ’માં કથિત ભૂમિકા બદલ સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારથી તેઓ કસ્ટડીમાં છે. ઈડીએ તિહાર જેલમાં તેમની પૂછપરછ કર્યા બાદ 9 માર્ચના રોજ સીબીઆઈની એફઆઈઆર સાથે સંબંધિત મની લોન્ડરિંગ મામલે તેમની ધરપકડ કરી હતી. તેમણે 28 ફેબ્રુઆરીએ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપી દીધુ હતું.