આ ફિલ્મ બની રહી હોવા અંગે અગાઉ પણ જાહેરાત કરાઈ હતી, કોરોના મહામારીના કારણે તેનું કામ બંધ થઈ ગયું હતું
મુંબઈ
સુપરહીરો ‘શક્તિમાન’ પર જ્યારથી ફિલ્મ બનાવવાની જાહેરાત થઈ ત્યારથી ફેન્સ ખુબ ઉત્સાહિત છે. એક્ટર મુકેશ ખન્નાએ શક્તિમાન બનીને ઘર-ઘરમાં નામ બનાવ્યું હતું. હવે તેણે તેના પ્રખ્યાત પાત્ર શક્તિમાન પર બનવાની ફિલ્મ વિશે એક મોટું અપડેટ આપ્યું છે. મુકેશ ખન્નાએ ઘણા વર્ષો સુધી ટીવી પર શક્તિમાનનું પાત્ર ભજવ્યું હતું. ઘણા સમય પહેલા શક્તિમાન પર ફિલ્મ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે મુકેશે ફિલ્મ બનવામાં થનાર વિલંબનું કારણ જણાવ્યું છે.
‘શક્તિમાન’ને મોટા પડદા પર લાવવા માટે મુકેશ ખન્નાએ ગયા વર્ષે સોની પિક્ચર્સ ઈન્ડિયા સાથે હાથ મિલાવ્યો હતો. સોની પિક્ચર્સે એક ટીઝર વીડિયો શેર કરતી વખતે આની જાહેરાત કરી હતી. ત્યારથી ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને છે. હવે મુકેશ ખન્નાએ આ ફિલ્મ પ્રોજેક્ટને લઈને મોટું અપડેટ આપ્યું છે. મુકેશ ખન્નાએ તેની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ભીષ્મ ઈન્ટરનેશનલ પર તેના આગામી પ્રોજેક્ટ ‘શક્તિમાન’ વિશે ઘણી વાતો કરી હતી. તેણે ચાહકોને કહ્યું હતું કે આ ફિલ્મ ચોક્કસપણે બની રહી છે. તેને આંતરરાષ્ટ્રીય સ્તરે લઈ જવા માટે પણ મોટી યોજના બનાવવામાં આવી છે. મુકેશ ખન્નાનું કહેવું છે કે ફિલ્મને લઈને કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ પાછળ 200થી 300 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.
મુકેશ ખન્નાએ વધુમાં કહ્યું હતું કે મેં અગાઉ પણ જાહેરાત કરી હતી કે આ ફિલ્મ બની રહી છે. કોરોના મહામારીના કારણે તેનું કામ બંધ થઈ ગયું હતું. જો કે વાતચીત દરમિયાન મુકેશ ખન્નાએ ફિલ્મના કલાકારો વિશે કોઈ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. તેણે કહ્યું કે હું ફિલ્મની સ્ટારકાસ્ટ વિશે અત્યારે કંઈ કહી શકું તેમ નથી. પરંતુ હું તમને ચોક્કસ કહી શકું છું કે આ બહુ મોટી ફિલ્મ બનવા જઈ રહી છે, તેથી તેમાં સમય લાગશે. તમને સૌને ટૂંક સમયમાં ફિલ્મના ડાયરેક્ટર અને સ્ટારકાસ્ટ વગેરેની માહિતી મળશે.
વર્ષ 2022માં સોની પિક્ચર્સે ટીઝર શેર કરીને ફિલ્મની જાહેરાત કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે ‘શક્તિમાન’ને મોટા પડદા પર સુપરહીરો ટ્રાયોલોજી તરીકે લાવવામાં આવી રહી છે. સમાચાર હતા કે આ ફિલ્મનો હીરો રણવીર સિંહ હોઈ શકે છે. જો કે હવે જોવાનું એ રહેશે કે તેમાં સુપરહીરો તરીકે કોણ જોવા મળશે.