હસ્તાક્ષર થયેલા કરાર હેઠળ જ દાળની જ ખરીદી ચાલુ છે, નાણાકીય વર્ષ 2022-23માં કેનેડા પાસેથી ભારતે સૌથી વધુ મસૂર દાળની ખરીદી કરી હતી
નવી દિલ્હી
ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાય દિવસોથી રાજદ્વારી તણાવ ચાલી રહ્યો છે જેની અસર બંને દેશોમાં નિકાસ-આયાત પર થવા લાગી છે. કેનેડા ભારતમાં સૌથી વધુ મસૂર દાળ નિકાસ કરે છે પરંતુ બંને દેશો વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે કેનેડાથી મસૂરની આયાત માટે નવા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી.
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર બંને દેશોના વેપાર પર થવા લાગી છે. વેપારીઓને ડર છે કે જે રીતે બંને દેશો વચ્ચે વિવાદ વધી રહ્યો છે તેવામાં કોઈપણ દેશ બદલો લેવાની ભાવનામાં વધારાનો કર લગાવી શકે છે. જો કે પહેલાથી જ હસ્તાક્ષર થયેલા કરાર હેઠળ જ દાળની જ ખરીદી ચાલુ છે. નાણાકીય વર્ષ 2022-23માં કેનેડા પાસેથી ભારતે સૌથી વધુ મસૂર દાળની ખરીદી કરી હતી. ભારતે આ સમયગાળા દરમિયાન કેનેડા પાસેથી કુલ 4.85 લાખ મેટ્રિક ટન મસૂર દાળની ખરીદી કરી હતી જે કુલ આયાતના અડધાથી વધુ છે. રિપોર્ટ મુજબ બંને દેશો વચ્ચે ચાલી રહેલા વિવાદ વચ્ચે દાળની આયાત માટે નવા કરાર પર હસ્તાક્ષર કરવામાં આવી રહ્યા નથી.
ભારતમાં મસૂર દાળનો મોટો હિસ્સો આયાત કરવામાં આવે છે જેમાં મોટાભાગની આયાત કેનેડામાંથી થાય છે. દેશમાં પહેલાથી જ દાળના ભાવ આસમાને પહોંચી ગયા છે અને ગયા મહિને કઠોળનો મોંઘવારી દર 13 ટકાથી વધુ હતો. હવે જો મસૂર દાળના પુરવઠામાં ઘટાડો થાય તો તેની કિંમતો વધી શકે છે. ભારતમાં દર વર્ષે 23 લાખ ટન દાળનો વપરાશ થાય છે જ્યારે તેની સામે માત્ર 16 લાખ ટન જ ઉત્પાદન થાય છે, જો કે ભારત અન્ય દેશો પાસેથી પણ દાળની આયાત કરે છે અને તેનાથી સૌથી વધારે ઓસ્ટ્રેલિયાને લાભ થયો છે. આ સિવાય તાજેતારમાં અમેરિકાથી કરવામાં આવતી દાળને કોઈપણ પ્રકારની કસ્ટમ ડ્યુટી માંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે. ભારત રશિયા, તુર્કી, સિંગાપોર અને યુએઈમાંથી પણ મસૂરની આયાત કરે છે.
કેનેડા માટે ભારત એક મોટું બજાર છે. ભારત વર્ષ 2022માં કેનેડાનું 10મું સૌથી મોટું ટ્રેડિંગ પાર્ટનર હતું. કેનેડા વટાણાનું સૌથી મોટું ઉત્પાદક છે અને તેનો મોટો હિસ્સો તે ભારતમાં નિકાસ કરે છે. આ ઉપરાંત કેનેડા ન્યુઝપ્રિન્ટ, લાકડાનો પલ્પ, એસ્બેસ્ટોસ, પોટાશ, આયર્ન સ્ક્રેપ, ખનિજો અને ઓદ્યોગિક રસાયણો પણ વેચે છે. નાણાકીય વર્ષ 2022-23માં કેનેડાએ ભારતમાં 4.5 અબજ (billion)નો સામાન નિર્યાત કર્યો હતો. જો બંને દેશો વચ્ચે રાજદ્વારી વિવાદ ચાલુ રહેશે તો વેપારીઓ ટ્રેડ એગ્રીમેન્ટ કરવાથી બચવાનો પ્રયાસ કરશે તેનાથી કેનેડાના વેપાર પર પણ અસર થશે. ટુડો પહેલાથી જ દેશના ઘરેલું મુદ્દાઓથી ઘેરાયેલા જેનાથી તેની લોકપ્રિયતામાં ઘટી ગઈ છે અને તેના રાજીનામાની પણ માંગ કરવામાં આવી છે. જો ટુડો સરકાર આર્થિક મોરચે પણ નિષ્ફળ જશે તો કેનેડા અને ટુડો માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે.