મંત્રી મંડળે નાઈટ્રોજન, ફોસ્ફોરસ, પોટાશ અને સલ્ફર જેવા વિભિન્ન માટી પોષક તત્વો પર પોષણ આધારિત સબસિડી આપવાનો નિર્ણય કર્યો
નવી દિલ્હી
દિવાળી પહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે. મોદી સરકારે ખેડૂતોને મોટી રાહત આપી છે. કેન્દ્રીય મંત્રીમંડળે આજે ચાલુ રવી સિઝનમાં ખેડૂતોને વ્યાજબી ભાવે ખાતર આપવા માટે પીએન્ડકે ખાતરો પર રૂ. 22,303 કરોડની સબસિડી આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મંત્રી મંડળની બેઠક બાદ મીડિયાને આ નિર્ણયની માહિતી આપી છે.
મંત્રી મંડળે નાઈટ્રોજન, ફોસ્ફોરસ, પોટાશ અને સલ્ફર જેવા વિભિન્ન માટી પોષક તત્વો પર પોષણ આધારિત સબસિડી આપવાનો નિર્ણય કર્યો છે. આ સબસિડી 1 ઓક્ટોબર 2023થી 31 માર્ચ 2024ના રવી પાક સિઝન પર લાગુ થશે. અનુરાગ ઠાકુરે કહ્યું કે, ડાઈ-એમોનિયમ ફોસ્ફેટ ખાતર પહેલાની જેમ 1,350 રૂપિયા પ્રતિ બોરીના દરે ખેડૂતોને આપવામાં આવશે. બીજી તરફ પોટાશ મ્યૂરિએટના દરોમાં ઘટાડો કરવામાં આવશે.
સરકારે નાઈટ્રોજન પર 47.02 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, ફોસ્ફોરસ પર 20.82 રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને પોટાશ પર તે 2.38 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સબસિડી મંજૂર કરી છે. બીજી તરફ સલ્ફર માટે સબસિડી 1.89 રૂપિયા પ્રતિ કિલોગ્રામ મંજૂર કરવામાં આવી છે.