એન. મહેતા ખાતે વર્ષ 2021-22માં કુલ 2.66 લાખ કેસ હતા અને તે 2022- 23માં 27 ટકા વધીને 3.37 લાખ થઇ ગયા
અમદાવાદ
ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં થઇ રહેલો સતત વધારો ચિંતાનો વિષય બન્યા છે. ડોક્ટરોના મતે ગત વર્ષની સરખામણીએ હાર્ટ એટેકના કેસમાં અમદાવાદમાં 30 ટકા જ્યારે ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો છે.
ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાસ કરીને યુવા વયે હાર્ટ એટેકના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. બિનસત્તાવાર અહેવાલ અનુસાર તાજેતરમાં નવરાત્રિ દરમિયાન જ 24થી વધુ લોકોએ ગરબા કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવવાથી જીવ ગુમાવ્યો હતો. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. તુષાર પટેલે જણાવ્યું કે, ‘હાર્ટ એટેકના વધતા જતા કેસ ચિંતાનો વિષય છે. છેલ્લા એક વર્ષમાં હાર્ટએટેકના કેસમાં અમદાવાદમાં 30 ટકાનો જ્યારે ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો છે. વધતા જતા કેસને મામલે સરકાર દ્વારા મૂળમાં જઇને તપાસ થવી જોઇએ. જરૂર પડે તો હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાનું પોસ્ટમોર્ટમ કરીને તપાસ કરવામાં આવે તે જરૂરી છે.
અમદાવાદની સિવિલ હોસ્પિટલના પરિસરમાં આવેલી યુ.એન. મહેતા ઈન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજીમાં વર્ષ 2021માં દરરોજના સરેરાશ 712, 2022માં સરેરાશ 871 જેટલા હૃદયના દર્દી નોંધાતા હતા. જેની સરખામણીએ વર્ષ 2023માં દરરોજના સરેરાશ 950થી વધુ હૃદયની સમસ્યા ધરાવતા દર્દી નોંધાઇ રહ્યા છે. આજથી થોડા વર્ષ અગાઉ કોઇ વ્યક્તિને 50થી 60ના વયજૂથમાં હાર્ટ એટેક આવતો તો પણ આશ્ચર્ય ગણાતું. જેની સરખામણીએ છેલ્લા કેટલાક વર્ષમાં બાળકો-કિશોરો-યુવાનોમાં પણ હાર્ટ એટેકના કેસમાં વધારો થવા લાગ્યો છે. યુ.એન. મહેતા ખાતે વર્ષ 2021-22માં કુલ 2.66 લાખ કેસ હતા અને તે 2022- 23માં 27 ટકા વધીને 3.37 લાખ થઇ ગયા છે.