હમાસના ખાત્મા બાદ આજુબાજુના જ અનેક દેશો કે પછી યુએનની એજન્સીને જ થોડાક સમય માટે સરકારની કાર્યવાહી સોંપવાનો વિકલ્પ
જોરૂસલેમ
ગાઝા પટ્ટીમાં ઈઝરાયલે હુમલા વધારી દીધા છે અને હવે હવાઈ હુમલાની સાથે તેણે ગ્રાઉન્ડ ઓપરેશન પણ શરૂ કર્યું છે. આ હુમલામાં હમાસના અત્યાર સુધી 100થી વધુ કમાંડર ઠાર મરાયા છે. આટલું જ નહીં 7 ઓક્ટોબરના હુમલાને અંજામ આપનારા ઈબ્રાહિમ બિયારી સહિત અનેક આતંકી પણ તેમાં સામેલ છે. ઈઝરાયલે હમાસનો ખાત્મો કરવાના સોગંદ ખાઈ રાખ્યા છે. દરમિયાન ગાઝામાંથી હમાસના સફાયા બાદ તેના પર શાસન કોણ કરશે? તેના માટે અમેરિકા અને ગાઝાએ તૈયારી શરૂ કરી દીધી છે.
માહિતી અનુસાર ગાઝામાં હાલમાં હમાસનું શાસન હતું. હવે તેનો સફાયો કર્યા બાદ અમેરિકા અને ઈઝરાયલે અત્યારથી ગાઝામાં શાસન કોણ કરશે તેને લઈને ચર્ચા વિચારણાં શરૂ કરી દીધી છે. જેમાં એક વિકલ્પ એ રખાયો છે કે હમાસના ખાત્મા બાદ આજુબાજુના જ અનેક દેશો કે પછી યુએનની એજન્સીને જ થોડાક સમય માટે સરકારની કાર્યવાહી સોંપવામાં આવે.
દરમિયાન પેલેસ્ટાઈનની એક સરકાર રચવા અંગે પણ વિચારણાં કરાઈ છે અને વ્યવસ્થા યોગ્ય થયા બાદ સ્થાનિક સરકારને જ કમાન સોંપવામાં આવશે. જોકે તેનાથી ઈઝરાયલ દૂર જ રહેવા માગે છે. એવામાં પડકાર એ હશે કે કયા દેશોને ગાઝા પટ્ટીની જવાબદારી સોંપવામાં આવે. અહેવાલ અનુસાર અમેરિકી ડિફેન્સ મંત્રી એન્ટની બ્લિંકને આ મામલે બેઠક કરી હતી. તેના પછી તેમણે કહ્યું હતું કે અનેક વિકલ્પો પર વિચારણાં થઈ છે. જેમાં એક વિકલ્પ એ પણ છે કે અનેક દેશ મળીને કામ કરે.
અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકને કહ્યું કે સૌથી સારું એ રહેશે કે પેલેસ્ટાઈનની ઓથોરિટીને સરકાર સોંપવામાં આવે પણ એ વિચારવાની વાત છે કે આ કેવી રીતે શક્ય થશે? તેમણે કહ્યું કે જો એવું નહીં થાય તો અમુક અસ્થાયી વ્યવસ્થા કરવી પડશે. જેમાં અનેક દેશો સાથે મળીને શાસન ચલાવે તે વિકલ્પ સામેલ છે. અથવા સંયુક્ત રાષ્ટ્રની એજન્સીઓને પણ સુરક્ષા અને પ્રશાસનની જવાબદારી સોંપવામાં આવી શકે છે.