ગાઝા પટ્ટીમાંથી હમાસની સત્તા અને આતંકવાદનો ખાત્મો કરીને જ ઝંપવા ઈઝરાયેલનો હુંકાર

જેરૂસલેમ
ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને મહિનો થવા આવ્યો છે પણ લડાઈ શાંત થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. એક દિવસ અગાઉ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાયડેને ઈઝરાયલ અને હમાસને થોડાક સમય માટે યુદ્ધ રોકી દેવા અપીલ પણ કરી હતી. જોકે બાયડેનની આ અપીલથી ઈઝરાયલ અકળાયું છે. ઈઝરાયલના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિયોર હયાતે કહ્યું કે હમાસના ક્રૂર હુમલા બાદ અમારા માટે આ આત્મરક્ષાની લડાઈ છે. અમે ગાઝા પટ્ટીમાંથી હમાસની સત્તા અને આતંકવાદનો ખાત્મો કરીને જ ઝંપીશું.
હયાતે પત્રકારોને સંબોધતા કહ્યું કે 7 ઓક્ટોબરે હમાસે હુમલો કર્યા બાદ અમે યુદ્ધની જાહેરાત કરી હતી. અમારા માટે આ આત્મરક્ષાની લડાઈ છે. હમાસનો ખાત્મો હવે અસ્તિત્વનો સવાલ છે. જો અમે હમાસનો ખાત્મો નહીં કરીએ તો એક પછી એક નરસંહાર ચાલુ જ રહેશે. આ હું નથી કહી રહ્યો પણ હમાસનું નેતૃત્વ જ કહે છે કે તેઓ એક પછી એક 7 ઓક્ટોબર જેવી ઘટનાઓને અંજામ આપતા રહેશે.
ઉલ્લેખનીય છે કે હમાસના એક વરિષ્ઠ સભ્યએ ઈઝરાયલ પર 7 ઓક્ટોબરે કરવામાં આવેલા હુમલાઓની જેમ જ તક મળશે તો વધુ હુમલા કરવાની ચેતવણી ઉચ્ચારી છે. તેણે કહ્યું હતું કે જ્યાં સુધી ઈઝરાયલનો સફાયો નહીં થઈ જાય ત્યાં સુધી હુમલાઓનો દોર યથાવત્ રહેશે.