ટ્રેનોની 45 ટ્રીપ ચલાવાઈ રહી છે, પાંચ જોડી ટ્રેનોમાં 139 વધારાના કોચ પણ લગાવવામાં આવ્યા

અમદાવાદ
હાલ પુરબહારમાં તહેવારોની સિઝન ચાલી રહી છે, ઉપરાંત મુસાફરો પણ પોતાના વતન અને ફરવા જવા માટે ટ્રેનનો ઉપયોગ કરતા હોય છે, તો બીજીતરફ તહેવારના કારણે અમદાવાદ રેલવે સ્ટેશન પણ ભારે ભીડ જોવા મળી રહી છે, ત્યારે અમદાવાદ ડિવિઝન દ્વારા મુસાફરોના ધસારાને નિયંત્રિત કરવા માટે અનેક સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. અમદાવાદ રેલવે દ્વારા છઠ પૂજા પર બિહાર અને ઉત્તર પ્રદેશના મુસાફરોના ધસારાને પહોંચી વળવા ખાસ તૈયારીઓ કરાઈ છે.
તહેવારોની સિઝનમાં મુસાફરોની સુવિધા માટે અને મુસાફરીની માંગને પહોંચી વળવા અમદાવાદ પશ્ચિમ રેલ્વે દ્વારા અમદાવાદથી વિવિધ સ્થળોએ 15 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનોની 45 ટ્રીપ ચલાવાઈ રહી છે, જેમાં અમદાવાદ-પટના, અમદાવાદ-ઓખા, અમદાવાદ-તિરુચિરાપલ્લી, અમદાવાદ-કાનપુર સેન્ટ્રલ, અમદાવાદ-આગ્રા કેન્ટ, ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ, સાબરમતી-દાનાપુર, અમદાવાદ-સમસ્તીપુર, અમદાવાદ-પટના, સાબરમતી-દિલ્હી સરાય રોહિલ્લા, અમદાવાદ-કટિહાર, અમદાવાદ-સમસ્તીપુર, અમદાવાદ-દરભંગા અને અમદાવાદ-બરૌની સ્પેશિયલ ટ્રેનનો સમાવેશ થાય છે.
ઉપરાંત પાંચ જોડી ટ્રેનોમાં 139 વધારાના કોચ પણ લગાવવામાં આવ્યા છે. અમદાવાદમાં ત્રણ વધારાના યુટીએસ કાઉન્ટર, સાબરમતીમાં 2, ગાંધીધામ અને અસારવા સ્ટેશન પર 1-1 કાઉન્ટર ખોલાયા છે. ભીડને નિયંત્રણમાં લેવા અમદાવાદ અને સાબરમતી સ્ટેશનો પર મોટી સંખ્યામાં સ્ટાફ પણ તૈનાત કરાયો છે. ઉપરાંત મુસાફરોને પણ તમામ સુવિધા મળી રહે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આરપીએફ અને જીઆરપી જવાનોને એન્ટ્રી/એક્ઝિટ પોઈન્ટ અને પ્લેટફોર્મ પર ભીડને કાબૂમાં રાખવા તૈનાત કરાયા છે. ઉપરાંત તમામ ટ્રેનોના દરેક કોચના ગેટ પર પણ જવાનોને તૈનાત કરાયા છે. ઉપરાંત સ્ટેશન પર ભારે ભીડને રોકવા પ્લેટફોર્મ ટિકિટનું વેચાણ પણ બંધ કરાયું છે.