સ્ટેડીયમની અંદર સુરક્ષા એજન્સીઓ અને પોલીસના 4 હજાર જવાનો તૈનાત, મેચ બાદ વિજય સરઘસોની સંભાવનાને લઈને શહેરમાં ચાંપતી સુરક્ષા
અમદાવાદ
અમદાવાદ માટે આવતો રવિવાર યાદગાર બની રહેવાનો છે. વર્લ્ડ કપ ફાઈનલ મેચ જોવા વડાપ્રધાન સહિતના અનેક મહાનુભાવો આવવાના હોવાથી મોદી સ્ટેડીયમની અંદર – બહાર ઉપરાંત ટ્રાફિકનો ત્રિપાંખિયો બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. સ્ટેડીયમની અંદર સુરક્ષા એજન્સીઓ અને પોલીસના 4 હજાર જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે. ખાસ કરીને રવિવારે રાત્રે મેચ પૂર્ણ થશે તે સાથે જ ભારતની જીતની સંભાવનાએ વિજય સરઘસો નીકળશે તેવી ગણતરી માંડીને બંદોબસ્ત ગોઠવાયો છે. ભારત મેચ જીતશે તે સાથે જ શહેરના એવા નિશ્ચિત રસ્તાઓ કે જ્યાં લોકો ઉમટી પડશે ત્યાં બંદોબસ્ત ગોઠવવા માટે શહેર પોલીસના ૫૦૦૦ કર્મચારીઓ તત્પર રહેશે. અમદાવાદના 10000 પોલીસ જવાનો ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, એનડીઆરએફ, આર.એ.એફ. અને એસ આર પી સહિતની સુરક્ષા એજન્સીઓની કૂમકો પણ ગોઠવવામાં આવી છે. રવિવારે દિવસભર સન્નાટા પછી મેચ પૂર્ણ થતાં શહેર આખું રસ્તાઓ ઉપર આવી જશે તેવી ધારણા વચ્ચે બંદોબસ્ત દોઠવાયો છે.
ઉચ્ચ પોલીસ અધિકારી સૂત્રોએ જણાવ્યું કે, મોદી ક્રિકેટ સ્ટેડીયમ ઉપર ભારત – પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ તેના કરતાં પણ વિશેષ પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સ્ટેડીયમના એન્ટ્રી ગેટથી જ દરેક પ્રેક્ષેની સઘન તપાસણી કરવામાં આવશે. બારકોડ ચેકીંગ પછી પ્રેક્ષકો પોતાની બેઠક ઉપર પહોંચી જાય તે પછી અન્ય પ્રેક્ષકોને સમસ્યા ન સર્જાય તેવી વ્યવસ્થામાં પોલીસ સહભાગી બનશે. આ વખતે તમામ બ્લોકમાં એક પી.એસ.આઈઉપરાંતછપોલીસ કર્મચારી તહેનાત કરવામાં આવશે. સ્ટેડીયમ ખાતે પોલીસનો વિશેષ કન્ટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. ડ્રોન ઉપરાંત એન્ટી ડ્રોન સિસ્ટમ લગાવવામાં આવી છે. સ્ટેડીયમમાં પ્રેક્ષકો ઉપર પણ ખાસ કેમેરાથી નજર રાખવામાં આવશે અને તમામ બ્લોકમાં તહેનાત પોલીસ કર્મચારીઓ જરાપણ ઉપદ્રવ કરે તેવા દર્શકને તરત જ બહાર લઈ જશે ખાસ કરીને મેદાન નજીકના સર્કલ ઉપર ચૂસ્ત વ્યવસ્થા રખાઈ છે. મેદાન નજીકની પહેલી બે રોની તમામ ખુરશીઓ ખાલી રાખવામાં આવનાર છે. વી.વી.આઈ.પી. બ્લોસમાં મહેમાનો આસપાસ કોઈ ફરકી ન શકે તેવી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. સ્ટેડીયમ ફરતે બે કિલોમીટર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવા ઉપરાંત સ્થાનિક પોલીસના વોચર્સ પણ સિવિલ ડ્રેસમાં લોકો વચ્ચે રહેશે.
સૌથી વધુ પરીક્ષા ટ્રાફિક પોલીસની થવાની છે. બન્ને ટીમો મેદાન ઉપર પહોંચે તે ઉપરાંત સ્ટેડીયમ ફરતે વાહનો કે અન્ય કોઈ પ્રકારે રસ્તા બ્લોક ન થાય અને ચાલીને નીકળનારાં લોકો માટે માર્ગો ખુલ્લા રહે તેવું આયોજન ગોઠવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરની તેમજ ફિલ્મી અને સ્પોર્ટસ વર્લ્ડની હસ્તીઓ આવવાની હોવાથી તેમને અડચણ વગર સ્ટેડીયમ ઉપર પહોંચતા કરવા માટે ટ્રાફિક અને । સ્થાનિક પોલીસની 100 કોન્વોયટીમો તૈયાર રાખવામાં આવી છે. વહેલી સવારથી એરપોર્ટ ઉપર મુંબઈ, દિલ્હી, કોલકાતા સહિતના મહાનગરોમાંથી આવનારી હસ્તીઓને ખાસ કોન્વોય સાથે સ્ટેડીયમ સુધી પહોંચતા કરવામાં આવનાર છે.
વહેલી સવા૨થી જ સ્ટેડિયમની અંદર અને બહાર ચૂસ્ત બંદોબસ્ત પછી પણ પોલીસની પરીક્ષા મોડીરાત સુધી રહેશે. ભારત ફાઈનલ મેચ જીતીને ચેમ્પિયન બનશે તેવી ગણતરીથી પોલીસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત જીતી જશે તે સાથે જ લોકો મોટી સંખ્યામાં રસ્તાઓ ઉપર ઉજવણી કરવા નીકળશે તે સ્વાભાવિક છે. આ સમયે શહેર પોલીસના ૫૦૦૦પોલીસ કર્મચારીઓ નિશ્ચિત રસ્તાઓ અને ચાર રસ્તાઓ ઉપર બંદોબસ્ત માટે આવી પહોંચે તેવું આયોજન પણ કરાયાનું સૂત્રોએ જણાવ્યું હતું. સ્ટેડીયમ અને વીવીઆઈપી બંદોબસ્તને બાદ કરતાં શહેર પોલીસનાસુરક્ષા આયોજનો કેટલા સફળ રહેશે તે તો રવિવારે જ ખબર પડશે.
સુરક્ષા એજન્સી
- એન.ડી.આર.એફ.
- આરએએફ
- એન્ટી ડ્રોન
- હોમગાર્ડસ
- કુલ 1000
સ્ટેડીયમ બંદોબસ્ત
- 1 આઈજીપી
- 13 ડીસીપી
- 20 એસીપી
- 45 પી.આઈ.
- 145 પી.એસ.આઈ
- 2800પોલીસ
- કુલ 3000
શહેરમાં બંદોબસ્ત
- 4 આઈજીપી
- 27 એસીપી
- 230 પીએસઆઈ
- 23 ડીસીપી
- 82 પી.આઈ.
- 4450 પોલીસ
- કુલ 5000
ટ્રાફિક બંદોબસ્ત
- 1 આઈજીપી
- 6 ડીસીપી
- 11 એસીપી
- 26 પી.આઈ
- 36 પી.એસ.આઈ
- 1300 પોલીસ
- કુલ 1400
સ્ટેડીયમ ફરતે કુલ 15 પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવ્યા છે. તેમાં કુલ 22,250 વાહનોનું પાર્કિંગ કરવામાં આવશે. સ્ટેડીયમની અંદર વી.વી.આઈ.પી.ની 1,100 કારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત અડધાથી બે કિલોમીટર વિસ્તારમાં આવેલા 13 પાર્કિંગ પ્લોટમાં પાંચ પાર્કિંગ પ્લોટમાં 15000 ટુ વ્હીલર અને 11 પાર્કિંગ પ્લોટમાં કુલ 7250 કાર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. 22,250 વાહનોમાં લોકો આવશે તેમ છતાં મેટ્રો ટ્રેનમાં સૌથી વધુ ભીડ થશે અને જામ તેવી સ્થિતિ સર્જાશે. મેટ્રો ટ્રેન સવારથી મોડી રાત સુધી પેસેન્જર્સ હશે ત્યાં સુધી દોડાવાશે.
ક્રાઈમ બ્રાન્ચ સ્ટેડીયમની અંદર ક્રાઈમ બ્રાન્ચના 300 કર્મચારીઓ ગ્રીન કાર્ગો અને બ્લેક ટીશર્ટમાં સતર્કતાપૂર્વક કાર્યવાહી કરશે. ખાસ કરીને સ્ટેડીયમમાં અને મેદાન ઉપર કોઈપણ પ્રકારની સમસ્યા સર્જવામાં ન આવે તે માટે ક્રાઈમ બ્રાન્ચની ટીમો કાર્યરત રહેશે. ખાસ કન્ટ્રોલ રૂમ દ્વારા સમગ્ર સ્ટેડીયમમાં નજર રાખીને કોઈપણ સ્થિતિને પહોંચી વળવા માટે ક્રાઈમ બ્રાન્ચની સતર્ક રહેશે. સ્ટેડીયમ આસપાસ સ્થાનિક પોલીસની ટીમો વોચર્સની ભૂમિકા ભજવશે. ડુપ્લિકેટ ટિકિટની ફરિયાદ આવશે તો કાર્યવાહી કરાશે.