આગ રવિવારે મોડી રાત્રે શરૂ થઈ હતી, જે સોમવારે વહેલી સવાર સુધી ચાલુ રહી
વિશાખાપટ્ટનમ
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ શહેરમાં સ્થિત ફિશિંગ હાર્બરમાં સોમવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અહીં ફિશિંગ બંદર પર ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે બંદરે પાર્ક કરેલી 25 મેકેનાઈઝ્ડ ફિશિંગ બોટ બળીને રાખ થઈ ગઈ હતી. આગ રવિવારે મોડી રાત્રે શરૂ થઈ હતી, જે સોમવારે વહેલી સવાર સુધી ચાલુ રહી હતી. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બોટ સળગતી જોઈ શકાય છે.
આગ લાગ્યા બાદ બંદર પર હાજર સ્થાનિક માછીમારોએ તાત્કાલિક સ્થાનિક પોલીસને ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. માછીમારોએ જણાવ્યું હતું કે આગ એક બોટમાંથી શરૂ થઈ હતી, જે ટૂંક સમયમાં અન્ય બોટ સુધી ફેલાઈ ગઈ હતી. આગ ઝડપથી એટલા માટે ફેલાઈ હતી કારણ કે જે બોટમાં આગ લાગી હતી તેની આસપાસ અન્ય બોટ લાંગરવામાં આવી હતી.મોટાભાગની બોટ લાકડાની હતી અથવા તો તેમાં પ્લાસ્ટિક પડ્યા હતા જેના કારણે આગ વધુ ફેલાઈ હતી.
ખરેખર તો એલપીજી સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાને કારણે આગ લાગી હોવાનું જણાવાઈ રહ્યું છે. એક બોટમાં પડેલા એલપીજી સિલિન્ડરમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સિલિન્ડર ફાટવાનો અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. આગની લપેટમાં 25થી વધુ બોટ આવી ગઈ હતી. જોકે એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ કયા કારણોસર થયો તેની તપાસ ચાલી રહી છે.
આ આગને કારણે થયેલા નુકસાનને સમજવા માટે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ કે આનંદ રેડ્ડીએ જણાવ્યું છે કે આગ પર કાબૂ મેળવવા માટે ચારથી વધુ ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. અત્યાર સુધી જાનહાનિના નુકસાનના કોઈ સમાચાર નથી. માછીમારોએ જણાવ્યું કે આગને કારણે 40 જેટલી ફિશિંગ બોટને નુકસાન થયું છે. દરેક બોટની કિંમત ઓછામાં ઓછી 40 લાખ રૂપિયા હતી. પોલીસ અને ફાયર સર્વિસના કર્મચારીઓએ જણાવ્યું કે આગ પર કાબૂ મેળવ્યા બાદ તેઓ આગનું ચોક્કસ કારણ શોધી કાઢશે.