ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિર્દેશક મુનીર એલ બાર્શે ટનલ પર ઈઝરાયલી સૈન્યના નિવેદનને જુઠ્ઠો ગણાવ્યો

જેરૂસલેમ
ઈઝરાયલ દ્વારા જારી કરાયેલા વીડિયોમાં દાવો કરાયો છે કે ગાઝામાં આવેલી અલ શિફા હોસ્પિટલની નીચે 55 મીટર લાંબી ટનલ આવેલી છે. ઈઝરાયલે દાવો કર્યો હતો કે ગાઝામાં ટનલ, બંકરનું એક મોટું નેટવર્ક છે. જોકે હમાસે આ વાતને ફગાવી દીધી હતી. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિર્દેશક મુનીર એલ બાર્શે ટનલ પર ઈઝરાયલી સૈન્યના એક નિવેદનને જુઠ્ઠો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે હું આઠ દિવસથી હોસ્પિટલમાં જ છું અને ત્યાં આવું કંઈ જ નથી.
હમાસ અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ યથાવત્ છે. ઈઝરાયલ સતત ગાઝામાં આવેલા હમાસના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા એક સાથે 5000 રોકેટ ઝિંકાયા બાદથી આ ભયંકર યુદ્ધની શરૂઆત થઈ હતી. ઈઝરાયલે ગાઝામાં આવેલા સૌથી મોટા હોસ્પિટલમાં પણ હમાસના કૃત્યોની આકરી ટીકા કરી. ઈઝરાયલે આરોપ મૂક્યો કે હમાસે એક કેદી સૈનિકની હત્યા કરી દીધી. સાથે જ ઈઝરાયલી સૈન્યએ અલ શિફા હોસ્પિટલમાં ગત દિવસોમાં હથિયારોનો ભંડાર પકડી લીધાનો દાવો કર્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણાં વીડિયો શેર થયા હતા. આ દરમિયાન ઈઝરાયલી સૈન્યએ વધુ એક વીડિયો શેર કર્યો છે.