ઘાઘરા નદીમાં સેલ્ફી લેતા સમયે નૌકા પલટતાં 12 જણાં ડૂબી ગયા

Spread the love

ગ્રામજનોના પ્રયાસોથી 9ને બચાવી લેવાયા,ત્રણ છોકરીઓનો હજુ પત્તો નથી લાગ્યો


જહાંગીરગંજ
હાલના સમયમાં લોકોમાં સેલ્ફીનો ક્રેઝ ખૂબ જ જોવા મળે છે. પરંતુ ક્યારેક તેના પરિણામ ખૂબ જ ભયંકર આવતા હોય છે. ત્યારે ઘાઘરા નદીમાં નૌકા પર સવારી કરતી વખતે સેલ્ફી લેતી વખતે સંતુલન ગુમાવતા નૌકામાં સવાર બાળકો સહિત 12 લોકો નદીમાં ડૂબી ગયા હતા. ગ્રામજનોના પ્રયાસોથી 9ને બચાવી લેવાયા હતા જ્યારે ત્રણ છોકરીઓનો હજુ પત્તો નથી લાગ્યો. લગ્ન બાદ આયોજિત દાવત-એ-વલીમામાં ભાગ લેવા માટે આ તમામ લોકો સંબંધીના ઘરે પહોંચ્યા હતા.
નદીમાંથી બહાર કાઢવામાં આવેલા લોકોને વિવિધ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ટીમની સાથે એડીએમ, એસડીએમ, સીઓ સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્યમાં લાગેલા છે. ગોરખપુરથી એનડીઆરએફની ટીમ બોલાવવામાં આવી છે.
મંગળવારે જહાંગીરગંજના બિધર ઘાટમાં ઈકરાર અહેમદના ઘરે છોકરાના લગ્ન હતા. બુધવારે દાવત-એ-વલીમા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિવિધ સ્થળોએથી સગા સંબંધીઓ હાજરી આપવા માટે રોકાયા હતા. આ પૈકીના કેટલાક સગીર કિશોરો અને બાળકો સવારે ગામ નજીકથી પસાર થતી ઘાઘરા નદી કિનારે ફરવા ગયા હતા. નૌકાવિહાર અને સેલ્ફી લેવા માટે સ્થાનિક રવિ અને અંકુર દ્વારા ચલાવવામાં આવતી નૌકામાં લગભગ 9 લોકો સવાર હતા.
નૌકા નદીના કિનારેથી થોડે દૂર આગળ વધી ત્યારે જ બેઠેલા યુવાનાએ મોબાઈલથી સેલ્ફી લેવાનો પ્રયાસ શરૂ કર્યો. પાણીનું વહેણ અને ઉભા હોવાના કારણે બોટનું સંતુલન ખોરવાવા લાગ્યું ત્યારે તેમાંથી એક વ્યક્તિ બચવા નદીમાં કૂદી પડ્યો હતો. થોડી જ વારમાં નૌકા પલટી ગઈ અને તેમાં સવાર તમામ લોકો નદીમાં ડૂબી ગયા. નદી કિનારે ઊભેલા ગામના ગુલઝારે અવાજ કર્યો. જેથી ગ્રામજનોનું ટોળું સ્થળ પર એકત્ર થઈ ગયું હતું. ગ્રામજનોના પ્રયાસોથી 9 લોકોને બચાવી લેવાયા છે જ્યારે ત્રણ છોકરીઓ હજુ ગુમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *