નેવીના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે, ભારતીય નૌકાદળ ત્રણેય સેવાઓની એકતા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ

નવી દિલ્હી
ભારતીય નૌકાદળના વડા એડમિરલ આર. હરિ કુમારે કહ્યું કે નૌકાદળમાં મહિલાઓની ભૂમિકા ઝડપથી વધતી જઈ રહી છે. તમામ ભૂમિકાઓ અને તમામ હોદ્દાઓ પર મહિલાઓની નિમણૂક કરવામાં આવી રહી છે. મહિલા અગ્નિવીરોની સંખ્યા પણ એક હજારને વટાવી ગઈ છે. તેમણે કહ્યું કે એક મહિલા લેફ્ટનન્ટ કમાન્ડર ફાસ્ટ એકેટ ક્રાફ્ટ આઈએનએસ ટ્રિંકટની કમાન સંભાળી શકે છે. નેવીના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બનશે.
એડમિરલ કુમારે નેવી ડે પહેલા પત્રકાર પરિષદમાં કહ્યું કે ભારતીય નૌકાદળ ત્રણેય સેવાઓની એકતા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે. તાજેતરમાં જ નૌકાદળના જહાજ પર પ્રથમ મહિલા કમાન્ડિંગ ઓફિસરની નિમણૂક કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે અમારા એકમો હિંદ મહાસાગર ક્ષેત્ર અને તેનાથી આગળ રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે તૈનાત છે. નેવી ભવિષ્યમાં થનારા કોઈપણ યુદ્ધ માટે તૈયાર છે. એડમિરલ કુમારે 10 પ્રાદેશિક ભાષાઓમાં નૌકાદળના ઇતિહાસના પુસ્તકોનું વિમોચન કર્યું.
હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચીન, માલદીવ અને પાકિસ્તાનની ગતિવિધિઓ પર એડમિરલ કુમારે કહ્યું કે મહાસાગરોને એક સંયુક્ત વારસો માનવામાં આવે છે. મહાસાગરોનો ઉપયોગ કોઈપણ રાષ્ટ્રની કાયદેસરની આર્થિક પ્રવૃત્તિઓ માટે થઈ શકે છે. હિંદ મહાસાગરમાં સ્થાનિક નેવી પાવર તરીકે ત્યાં શું થઈ રહ્યું છે તેના પર નજર રાખી શકીએ છીએ. આપણા જહાજો, સબમરીન, એરક્રાફ્ટ ત્યાં તહેનાત કરાયા છે.