વેડિંગ સ્પેન્ડ્સ રિપોર્ટ 2.0 નામથી ઇન્ડિયાલેન્ડ્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો
નવી દિલ્હી
હાલ દેશમાં લગ્નની સીઝન ચાલી રહી છે. એવામાં માતા-પિતા તેમના બાળકોના લગ્નને લઈને ખુબ જ સજાગ હોય છે. તેઓ શરૂઆતથી જ બાળકોના લગ્ન માટે બચત કરવાનું શરુ કરી દે છે. ત્યારે એવામાં યુવાનોને લાગતો એક સર્વે સામે આવ્યો છે. જેમાં યુવક અને યુવતીઓ તેમના લગ્નના ખર્ચ જાતે ઉપાડવાનું પસંદ કરે છે. એક સર્વે અનુસાર 42 ટકા યુવાનો પોતાના લગ્નનું ફંડિંગ પોતે જ કરવા માંગે છે.
વેડિંગ સ્પેન્ડ્સ રિપોર્ટ 2.0 નામથી ઇન્ડિયાલેન્ડ્સ દ્વારા એક રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ 42 ટકા યુવાનો પોતાના લગ્નનું ફંડિંગ માટે માતા-પિતા પર નિર્ભર નથી પરંતુ જાતે જ કરવા માંગે છે. જેટલા યુવાનોમાં આ સર્વે કરવામાં આવ્યો તેમાંથી 42 ટકાએ જણાવ્યું હતું કે તેઓ પોતે જ લગ્નનું ફંડિંગ કરવા ઈચ્છે છે.
માતા-પિતાને તેમની દીકરા લગ્નની ખુબ જ ચિંતા હોય છે. પરંતુ સર્વેમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે 60 ટકા મહિલાઓ તેમના લગ્નનું ખર્ચ પોતે જ ઉપાડવા માંગે છે. જો કે આ બાબતમાં પુરુષોની સંખ્યા 52 ટકા જ છે. જે યુવાનો પર આ સર્વે કરવામાં આવો તેમાંથી 58.8 ટકા યુવા વર્ગ સાદગીથી અને માત્ર નજીકના સંબંધીઓની હાજરીમાં લગ્ન કરવાનું પસંદ કરે છે. જે સ્પષ્ટ કરે છે કે આજનો યુવા વર્ગ તામજામવાળા લગ્ન કરતા એકદમ પારંપરિક અને સાદગી પૂર્વક લગ્ન કરવાનું પસંદ કરે છે. જયારે 35.3 ટકા યુવાનો ખુબ જ ધૂમધામથી લગ્ન કરવાનું પસંદ કરે છે.
જ્યારે સર્વેમાં આ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે 42.1 ટકા વર-વધૂએ કહ્યું કે તેઓ પોતાની બચત માંથી લગ્ન કરવા ઈચ્છે છે. જ્યારે 26.3 ટકા વર-વધૂએ કહ્યું કે તેઓ લગ્ન કરવા માટે લોન લેશે. જે લોકો લોન લેશે તેમાંથી 67.7 ટકાએ કહ્યું કે તેઓ 1-5 લાખ રૂપિયા સુધીની લોન લેવાની યોજના બનાવી રહ્યા છે. જ્યારે 27.7 ટકા લોકોએ નક્કી કર્યું નથી કે તેઓ ફંડિંગ કેવી રીતે કરશે. જે લોકો વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો હતો તેમાંથી 70 ટકા લોકો પાસે લગ્ન ખર્ચ માટે 1-10 લાખ રૂપિયાનું બજેટ છે. 21.6 ટકા યુવાનોનું બજેટ 11.25 લાખ રૂપિયાની વચ્ચે છે. જ્યારે 8.4 ટકા યુવાનો એવા છે જેમનું બજેટ 25 લાખ રૂપિયાથી વધુ છે. ઇન્ડિયાલેન્ડ્સના સ્થાપક અને સીઈઓ ગૌરવ ચોપરાએ કહ્યું કે, અમે આજના યુવાનોના વિચારોમાં મોટો ફેરફાર જોઈ રહ્યા છીએ. તમારા લગ્નને જાતે ફંડિંગ કરવું એ નાણાકીય સ્વતંત્રતા તરફ નિર્દેશ કરે છે.
ઈન્ડિયાલેન્ડ્સે ઓક્ટોબરથી નવેમ્બરમાં 1200 લોકો વચ્ચે આ સર્વે કર્યો છે. દેશના 20 શહેરોમાં 25 થી 40 વર્ષની વયના લોકો વચ્ચે આ સર્વે કરવામાં આવ્યો છે. જેમાં 34.1 ટકા યુવાનો 25-28 વર્ષના, 30 ટકા 29-35 વર્ષની વયજૂથના છે. જેમાં 65 ટકા પુરુષો અને 35 ટકા મહિલાઓ છે. આ સર્વે દ્વારા યુવાનોની આર્થિક ક્ષમતા અને વર્તમાન યુગમાં લગ્ન પ્રત્યે તેમની વિચારસરણી જાણવાની કોશિશ કરવામાં આવી છે. સર્વે અનુસાર, 50.4 ટકા યુવાનોએ કહ્યું કે તેઓ એરેન્જ્ડ મેરેજ કરવા ઈચ્છે છે જ્યારે 49.6 ટકા યુવકોએ લવ મેરેજ કરવા ઈચ્છે છે. સર્વે અનુસાર, જેમની વાર્ષિક આવક રૂ. 5-10 લાખની વચ્ચે છે તેઓ લગ્નમાં રૂ. 7-10 લાખથી વધુ ખર્ચ કરવા માંગતા નથી. એક અંદાજ મુજબ, સરેરાશ ભારતીય મધ્યમ વર્ગ લગ્નમાં 15 થી 25 લાખ રૂપિયા ખર્ચે છે.