સંસદનું શિયાળુ સત્ર હંગામા વચ્ચે શરૂ થયું, વિપક્ષોના ભારે હંગામાથી લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી
નવી દિલ્હી
દેશમાં ધીમે ધીમે ઠંડી વધવા માંડી છે, પણ સાથે સાથે રાજકીય ગરમાવો પણ વધી ગયો છે. ચાર રાજ્યની વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે જે ઘણા ઉત્સાહજનક છે. એવા સમયે પીએમ મોદીએ જણાવ્યું હતું કે, ‘આ એવા પરિણામો છે જે દેશનું ભવિષ્ય સુનિશ્ચિત કરશે. સારા જનાદેશ બાદ આપણે સંસદ મંદિરમાં મળી રહ્યા છીએ. હું તમામ સાંસદોને સકારાત્મક વિચારો સાથે સંસદમાં આવવા અપીલ કરું છું. બાહ્ય હારનો ગુસ્સો સંસદમાં ન લાવવો. લોકશાહીના મંદિરને રાજકારણનું મંચ ન બનાવો. દેશને સકારાત્મકતાનો સંદેશ આપો.’
આજે દેશની 17મી લોકસભાનું છેલ્લું શિયાળુ સત્ર શરૂ થઈ ગયું છે. 2024માં આવનારી લોકસભાની ચૂંટણી પહેલા આ છેલ્લું શિયાળુ સત્ર છે. સંસદમાં ત્રણ રાજ્યમાં પોતાના દમ પર સત્તા મેળવનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સાંસદોએ તાળીઓ પાડીને ભવ્ય સ્વાગત કર્યું હતું. જોકે, આજના સત્ર દરમિયાન લોકસભામાં ભારે હોબાળો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી હતી અને થયું પણ એવું જ. સંસદનું શિયાળુ સત્ર હંગામા વચ્ચે શરૂ થયું હતું. વિપક્ષોના ભારે હંગામાને કારણે લોકસભાની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.
આ સત્ર દરમિયાન સંસદની એથિક્સ કમિટીનો ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રા વિશે કેશ ફોર ક્વેરી કૌંભાડ રિપોર્ટ રજૂ કરવામાં આવશે ત્યારે ભારે હંગામો થવાની પણ શક્યતા છે. આ રિપોર્ટમાં મહુઆ મોઇત્રાને હાંકી કાઢવાની ભલામણ કરવામાં આવી છે.
સરકારે શિયાળુ સત્રની 15 બેઠકો કાર્યસૂચિ રજૂ કરી છે, જેમાં વસાહતી યુગના ફોજદારી કાયદાઓને બદલવા માટેનું અને ચૂંટણી કમિશનરની નિમણૂક માટે માળખું પ્રદાન કરવા માટેનું બિલ સામેલ છે. સત્ર પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી મીડિયાને સંબોધન કરશે, જ્યારે વિધાનસભા ચૂંટણીના પરિણામોથી નિરાશ થયેલી કોંગ્રેસ, સત્ર પહેલા ‘ભારત’ ગઠબંધનના નેતાઓ સાથે બેઠક પણ કરશે અને ગૃહમાં તેની વ્યૂહરચના અંગે ચર્ચા કરશે.