
કોર્ટે તેને 16મી જૂન સુધી પોલીસ કસ્ટડી આપી, મનોજને ગુપ્ત રોગ છે, સરસ્વતિ તેની દિકરી જેવી હોવાનો આરોપી મનોજનો દાવો
મુંબઈ
મીરા રોડમાં લિવ-ઇન રિલેશનશીપમાં રહેનારી મહિલાની હત્યા થઇ હોવાની આઘાતજનક ઘટના સામે આવી છે. આરોપી મનોજ સાનેએ સરસ્વતિ વૈદ્યના મૃતદેહના અસંખ્ય ટૂકડા કર્યા, ત્યાર બાદ તેનો નાશ કરવા માટે કૂકરમાં બાફ્યા એવી કંપાવનારી ઘટના બની છે. આ ઘટનાની તપાસમાં હવે નવી માહિતી સામે આવી રહી છે જેમાં આરોપી મનોજે તેને સરસ્વતિ સાથે ક્યારેય શારિરિક સંબંધ નહતો તેવો દાવો કર્યો છે.
મીરા રોડના ગીતાનગરમાં ગીતા દિપ નામની બિલ્ડીંગના 7માં માળે મનોજ સાને (56) અને સરસ્વતિ વૈદ્ય (32) આ બંને જણ છેલ્લાં ત્રણ વર્ષથી રહેતાં હતાં. પણ ત્રીજી જૂનની મધ્યરાત્રીએ મનોજે સરસ્વતિની હત્યા કરી અને ચોથી જૂન સવારથી ચાર દિવસ સુધી તે મૃતદેહના ટૂકડાં કરી રહ્યો હતો.
મૃતદેહને રફેદફે કરતાં પહેલાં હાડકાં અને માંસ અલગ કરવા માટે તે એક એક અવયવ કૂકરમાં બાફતો હતો. કૂકર, ત્રણ તપેલાં અને બે ડોલમાં મૃતદેહના અસંખ્ય ટૂકડાં પોલીસને મળી આવ્યા હતાં. પોલીસે મનોજની 7 જૂનના રોજ ધરપકડ કરી હતી. કોર્ટે તેને 16મી જૂન સુધી પોલીસ કસ્ટડી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં મનોજે આઘાતજનક ખૂલાસો કર્યો છે. મનોજને ગુપ્ત રોગ છે. તેની અને સરસ્વતિ વચ્ચે ક્યારેય શારિરીક સંબંધ બંધાયો નથી. કારણ કે સરસ્વતિ તેની દિકરી જેવી હતી. આવો દાવો મનોજે કર્યો છે. તેવી જાણકારી પોલીસે એક મીડિયા હાઉસને આપી હતી.