પગમાં ઈજા થતાં દ.આફ્રિકાનો પેસ બોલર લુંગી એનગિડી સિરિઝમાંથી આઉટ

Spread the love

લુંગી એનગિડીના બહાર થયા બાદ બ્યુરોન હેન્ડ્રીક્સને બે વર્ષ બાદ પુનરાગમન કરવાની તક મળી


ડરબન
આવતીકાલથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટી20આઈ સિરીઝ શરુ થવાની છે. પરંતુ આ સિરીઝ શરુ થતા પહેલા સાઉથ આફ્રિકન ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારત સામે રમાનાર ટી20આઈ સિરીઝમાંથી સાઉથ આફ્રિકાનો મુખ્ય ફાસ્ટ બોલર લુંગી એનગિડી બહાર થઇ ગયો છે. મળેલા અહેવાલો મુજબ લુંગી એનગિડીને ડાબા પગમાં ઈજાને કારણે બહાર થવું પડ્યું હતું અને ઈજામાંથી બહાર ન આવી શકવાને કારણે તેને આખી સિરીઝ માટે ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.
ભારત સામે રમાનાર ટી20આઈ સિરીઝ માંથી લુંગી એનગિડીના બહાર થયા બાદ બ્યુરોન હેન્ડ્રીક્સને બે વર્ષ બાદ પુનરાગમન કરવાની તક મળી છે. બ્યુરોન હેન્ડ્રીક્સ છેલ્લે આફ્રિકા તરફથી વર્ષ 2021માં રમ્યો હતો. હેન્ડ્રીક્સે અત્યાર સુધી 1 ટેસ્ટ, 8 વન-ડે અને 19 ટી20આઈ મેચ રમી છે. હેન્ડ્રિક્સના ટી20 રેકોર્ડની વાત કરીએ તો અત્યાર સુધી તેણે 19 મેચમાં 25 વિકેટ લીધી છે અને આ દરમિયાન તેણે 9.19ની ઈકોનોમીથી રન આપ્યા છે.
ભારત સામે રમાનાર ટી20આઈ સિરીઝમાં સાઉથ આફ્રિકાની ટીમે તેના મુખ્ય ફાસ્ટ બોલર કાગીસો રબાડાને આરામ આપ્યો છે અને હવે લુંગી એનગિડીના બહાર થવાથી સાઉથ આફ્રિકાનું બોલિંગ અટેક નબળું દેખાઈ રહ્યું છે. હવે ટી20આઈ સિરીઝમાં સાઉથ આફ્રિકાના બોલિંગ અટેકની જવાબદારી ગેરાલ્ડ કોએત્ઝી, નાન્દ્રે બર્જર, ઓટનીલ બાર્ટમેન અને લિઝાડ વિલિયમ્સ પર રહેશે, જેમને આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો બહુ ઓછો અનુભવ છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી20આઈ સિરીઝની પ્રથમ મેચ આવતીકાલે ડરબનમાં રમાનાર છે. તે પછીની બંને મેચો 12 અને 14 ડિસેમ્બરના રોજ જોહાનસબર્ગમાં રમાશે. ત્રણ ટી20આઈ મેચ રમ્યા બાદ 17થી 21 ડિસેમ્બર સુધી બંને ટીમો વચ્ચે ત્રણ વન-ડે મેચ રમાશે અને તે પછી બંને ટીમો 26 ડિસેમ્બરથી 2 ટેસ્ટ મેચની સિરીઝમાં આમને-સામને થશે.

Total Visiters :121 Total: 1499974

By Admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *