કેનેડા બોર્ડર અને મેક્સિકો બોર્ડર, આ બે મુખ્ય માર્ગો દ્વારા ડંકી રૂટથી અમેરિકામાં પ્રવેશ કરી શકાય છે
નવી દિલ્હી
તાજેતરમાં શાહરૂખ ખાનની રિલીઝ થયેલી ફિલ્મ ડંકીમાં ડંકી રૂટ અપનાવનાર લોકોની વાત છે. ડંકી રૂટ એટલે એવો માર્ગ જ્યાં વ્યક્તિ ગેરકાયદેસર રીતે એક દેશથી બીજા દેશમાં જાય છે. ડંકી શબ્દ વાસ્તવમાં ગધેડા પરથી આવ્યો છે. આ પંજાબી રૂઢિપ્રયોગ પરથી ઉતરી આવ્યું છે. તેનો અર્થ થાય છે ‘એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું’. દર વર્ષે હજારો લોકો વિદેશ જવા માટે ડંકી રૂટ જેવી ગેરકાયદેસર પદ્ધતિ અપનાવે છે, જે ખૂબ જ ખતરનાક છે.
ડંકી રૂટ ડેસ્ટીનેશન પર પહોંચવાની કોઈ જ ગેરંટી નથી. ક્યારેક લોકો પકડાઈ જતા તેને પાછા મોકલી દેવામાં આવે છે અથવા તો જેલમાં મોકલવામાં આવે છે. ઘણી વખત લોકો મૃત્યુ પણ પામે છે. સારા જીવનની શોધમાં પોતાનો જીવ જોખમમાં મુકીને અમેરિકા, બ્રિટન કે કેનેડા પહોંચવા માટે દર વર્ષે પંજાબ, હરિયાણા, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હી જેવા રાજ્યોમાંથી યુવાનો ડંકી માર્ગ અપનાવે છે.
ગેરકાયદેસર માર્ગો અપનાવીને વિદેશ જનારા ભારતીયોની સંખ્યા સતત વધી રહી છે. એકલા અમેરિકામાં જ પાંચ વર્ષમાં ગેરકાયદે પ્રવાસ કરનારા લોકોની સંખ્યા બે લાખને વટાવી ગઈ છે. અમેરિકી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઓક્ટોબર 2022થી સપ્ટેમ્બર 2023 વચ્ચે 96 હજાર 917 ભારતીયો દસ્તાવેજો વગર અમેરિકામાં પ્રવેશતા પકડાયા હતા.
કેનેડા બોર્ડર અને મેક્સિકો બોર્ડર, આ બે મુખ્ય માર્ગો દ્વારા ડંકી રૂટથી અમેરિકામાં પ્રવેશ કરી શકાય છે. ડંકી રૂટથી ભારતથી અમેરિકા માલસામાનની હેરફેરનું કામ પણ ગેરકાયદેસર રીતે થાય છે. જેના કારણે અમેરિકા પહોંચવામાં દિવસો નહીં પણ કેટલાંક અઠવાડિયા કે મહિનાઓ લાગી જાય છે.
ડંકી રૂટથી લોકો ભારતથી સીધા જ અમેરિકા નથી પહોંચતા. પરંતુ તેના બદલે તેને મધ્ય પૂર્વ અથવા યુરોપના દેશમાં લઈ જવામાં આવે છે. પછી અહીંથી આફ્રિકા અથવા દક્ષિણ અમેરિકા અને ત્યાંથી દક્ષિણ મેક્સિકો ત્યારબાદ ઉત્તર મેક્સિકો અને છેલ્લે મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચાડવામાં આવે છે.
ડંકી રૂટમાં જીવનું જોખમ છે. ઘણા લોકો ગેરકાયદે પ્રવેશ કરતી વખતે મૃત્યુ પણ પામે છે. જેમાં જાન્યુઆરી 2022 માં, યુએસ-કેનેડા બોર્ડરથી 10 મીટર દૂર ચાર લોકોના એક ગુજરાતી પરિવારની લાશ મળી હતી. આ લોકો બરફના તોફાનમાં ફસાઈને મૃત્યુ પામ્યા હતા.
આ સિવાય આ વર્ષે એપ્રિલમાં વધુ એક ગુજરાતી પરિવારનું મોત થયું હતું. અમેરિકામાં પ્રવેશતા પહેલા જ તેની બોટ સેન્ટ લોરેન્સ નદીમાં ડૂબી ગઈ હતી. મૃતકોમાં પતિ, પત્ની અને તેમના બે બાળકોનો સમાવેશ થાય છે.