સેટેલાઈટ તસવીરોએ ચીનની પોલ ખોલી, ચીન ઉત્તર પશ્ચિમના ઓટોનોમલ વિસ્તાર ઝિંજિયાંગમાં સબ ક્રિટિકલ ન્યૂક્લિયર એક્સપ્લોજન કરી શકે છે
ચીન ખુદને દુનિયાની સૌથી મોટી મહાસત્તા બનાવવાની મહત્ત્વકાંક્ષા ધરાવે છે અને તેના માટે તે 2030 સુધી 1000 પરમાણુ હથિયારો પણ બનાવી રહ્યું છે. આ સૌની વચ્ચે કેટલીક સેટેલાઈટ તસવીરોએ ચીનની પોલ ખોલી નાખી છે. આ તસવીરોથી સ્પષ્ટ સંકેત મળે છે કે ચીન ઉત્તર પશ્ચિમના ઓટોનોમલ વિસ્તાર ઝિંજિયાંગમાં ટૂંક સમયમાં ન્યૂક્લિયર હથિયારોનું ટેસ્ટિંગ કે સબ ક્રિટિકલ ન્યૂક્લિયર એક્સપ્લોજન કરી શકે છે.
અમેરિકી અખબાર ન્યુયોર્ક ટાઈમ્સના એક ડિટેલ રિપોર્ટમાં ચીનની આ ન્યૂક્લિયર સાઈટની સેટેલાઈટ તસવીરો પ્રથમ વખત પ્રકાશિત કરવામાં આવી છે. આ તસવીરોમાં ઝિંજિયાંગમાં ચીનની લોપ નૂર ન્યૂક્લિયર ટેસ્ટ ફેસિલિટીના સંભવિત રિએક્ટિવેશનને જોઈ શકાય છે. ચીનનો આ પ્રયાસ નવી પેઢીની બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઈલો પર ફિટ કરાયેલા તેના અમુક લેટેસ્ટ ન્યૂક્લિયર હથિયારોને મજબૂતી આપવામાં તેના રસ તરફ ઈશારો કરે છે.
ન્યુયોર્ક ટાઈમ્સનું એનાલિસિસ ઈન્ટરનેશનલ જિયોસ્પસિયલ ઈન્ટેલિજન્સ એક્સપર્ટ ડૉ. રેની બેબિયાર્જ દ્વારા ઉપલબ્ધ કરાવાયેલા પુરાવાઓ પર આધારિત છે. પેન્ટાગોનના પૂર્વ એનાલિસ્ટ ડૉ. બેબિયાર્જે લોપ નૂર ન્યૂક્લિયર ફેસિલિટીની સેટેલાઈટ તસવીરોની સ્ટડી કરવામાં અનેક વર્ષો વીતાવી દીધા. ચીને લોપ નૂરમાં જ 16 ઓક્ટોબર 1964ના રોજ પ્રથમ પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
જોકે ચીને ન્યુયોર્ક ટાઈમ્સના આ રિપોર્ટને ફગાવી દીધો હતો. ચીન વતી કહેવાયું છે કે આ રિપોર્ટ ચીનના ન્યૂક્લિયર ખતરાને હવા આપે છે જેનો કોઇ આધાર નથી. આમ તો ગત વર્ષે લોપ નૂર ન્યૂક્લિયર ફેસિલિટીની અમુક તસવીરોથી જાણ થાય છે કે અહીં અપગ્રેડેશનનું કામ ચાલુ છે. 2017 સુધી અમુક ઈમારતો વચ્ચે ઘેરાયેલી જૂની સાઈટ ધીમે ધીમે હાઇટેક, અલ્ટ્રા મોર્ડન કોમ્પલેક્ષમાં પરિવર્તિત થઇ ગઈ જેની ચોરકોર સિક્યોરિટી ફેન્સિંગ છે. આ તસવીરોમાં એક નવા એરબેઝનું નિર્માણ, અનેક શાફ્ટનું કન્સટ્રક્શન અને સ્મોકિંગ ગન પણ દેખાય છે જે 90 ફૂટ જેટલી ઊંચી છે.